૨૪: તુલસી-ક્યારો
કંચનગૌરીને કાને જશે તો અત્યારથી જ ઝેરી ઝાડનાં મૂળ ઘાલી જશે. એણે તૂર્ત જ ભદ્રાને કહ્યું : ' તો પછી એમાં પૂછવાની શું વાટ જોતાં હતાં ? તમે સ્વતંત્ર છો, તમારી બાબતનાં તમે કુલમુખત્યાર છો. બેલાશક પહેરવા આપો. બેલાશક.'
જ્યારે ભદ્રાએ દેવનાં મુવેલાં બાની પેતી ઉઘાડી, તેમાંથી નાની મોટી દાબડીઓ ખુલ્લી કરી, દેરાણી કંચનને એ ઓરડામાં બોલાવ્યાં ને કહ્યું કે 'બેસો, દેવને એની અડવી બા ગમતી નથી. આજથી બાને શણગારવી છે, બેસો જોઉં!'
પણ એ ઝીણા મોટા દાગીના ભદ્રાના હાથમાં ઠઠ્યા રહ્યા, દાબડીઓ ઉઘડતી હતી તે બંધ કરવાનું ય ભાન ભુલાયું, ભદ્રાને દેવ ત્યાં ને ત્યાંજ થીજી ગયાં, ચિત્રામણમાં આલેખાઈ ગયાં. કેમ કે કંચન ગૌરી આટલું જ બોલીને ચાલતાં થયાં હતાં -
'મારૂં આ ઘરમાં શું છે? મારે દાન નથી લેવું. અડવી લાગીશ તો મઢાવશે જેને દાઝશે તે.'
આ તો એક આગલો પ્રસંગ અમને યાદ આવી ગયો એટલે કહી દીધો. મૂળ મુદ્દો તો ભદ્રાને અમદાવાદ મોકલવાની સસરાની આવડતનો હતો.