લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જુગલ-જીવન : ૪૧

'એ લો ભૈ, હાલઘડી કરી આપું હો ભૈ. લો મારી દેરાણીને ય સાકરી લાવું છું હો ભૈ ! વાર નહિ કરૂં હો ભૈ !'

ભદ્રાએ જલદી જલદી બહાર જઈને આઘે નજર નાખી, પણ દેરાણી દીઠામાં આવી નહિ. છતાં એણે ધીરા સાદ દીધા : 'ઓ કંચનગૌરી!'

વળી પોતે રસોડા તરફ દોડી ગઈ ને ઉકળતી ખીચડી એકદમ ઉતારી એણે પાણીની તપેલી મૂકી દીધી. પણ રબરની કોથળી ક્યાં હશે ! કંચનગૌરી તો હજુ આવતાં નથી. દેરને પૂછીશ તો પાછા પૂછશે કે કંચનગૌરી ક્યાં ગયાં? આવી મૂંઝવણમાં ને મૂંઝવણમાં પડેલી એ બે ત્રણ વાર દરવાજા સુધી જઈ આવી.

કંચન પાછી આવી ત્યારે ભદ્રા પરભારી એને રસોડે લઈ ગઈ ને ત્યાંથી પાણીની તપેલી એના જ હાથમાં પકડાવીને કહ્યું : 'જાવ બાપુ, જલદી શેકની કોથળી મારા દેરને આપો. એને કશીક પીડા થતી લાગે છે. એ કણકણે છે. એને કહેજો હો, કે તમે પોતે જ રસોડે બેસી પાણી ગરમ કરતાં હતાં. કહેજો કે હું નહાવા બેસી ગઈ હતી. તમે બહાર ગયાં હતાં ઈમ ના કે'તાં હો ભૈશાબ ! મારી શોગન.'

જેઠાણીનો કશોક વાંક થયો લાગે છે, ને મારે હાથે એ વાંક ઢંકાવવા માગે છે, એવા પ્રકારની માન્યતા લઈને કંચન ગરમ પાણી ઉપાડી ચાલી. એ અંદર દાખલ થઈ ત્યારે વીરસુત પડખું ફેરવી જઈને પેટ દબાવી રાખી સૂતો હતો. કંચને કોથળી ઉતારી, ભરી , પછી પલંગે જઈ કહ્યું :'લો જોઉં, આ તરફ ફરો જોઉં ! ક્યાં મૂકું ? એકાએક પાછું શાથી દુઃખવા આવ્યું?'

મૂકતાં મૂકતાં કોથળીનું ગરમ પાણી વીરસુતના શરીર પર ઢોળાયું.