લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જુગલ-જીવન : ૪૩


ઓછો થવા લાગ્યો છે. આંહી આવીને તું હાથ ફેરવે તો હમણાં જ મને મટી જાય.'

કંચને આંસુ લુછ્યાં, પતિ પાસે ગઈ. વીરસુતે એને પલંગ પર પોતાની નજીક બેસાડીને પંપાળતે પંપાળતે કહ્યું : 'હું શું એટલો બધો અબુધ છું કે તને મારા પર કેટલો પ્રેમ છે તે પણ ન સમજી શકું ? તું મારે માટે કેટલું કેટલું કરે છે તે શું હું નથી જાણતો ? મારે ભાસ્કર ભાઈનો ઠપકો સાંભળવો પડ્યો.'

'તમને તો પાછા એમ જ લાગવાનું કે આ બધું ભાસ્કરભાઈને મેં જ કહી દીધું હશે.' કંચનનું ગળું હજી ગદ્ગદિત હતું.

'મને એવું કશું લાગ્યું જ નથી. તારા સોગંદ ખાઈને કહું છું.'

'ચાલો, છોડો હવે એ વાત. તમને દુઃખવું તો બંધ પડી ગયું ને?'

'હવે તો કેમ ન પડે ? તું મારા પ્રત્યે રાજી હો તો દુઃખાવો ટકે નહિ. કોથળીના શેકે એ થોડો મટે છે ? એ તો મટ્યો તારા સ્નેહની વરાળે.'

'હાય મા ! ! હું તો ફાળ ખાઈ ગઈ હતી.'

'કેમ?'

'આપણે ભાસ્કરભાઈની જોડે પેલા પૂર્ણિમા-ઉત્સવમાં જવાનું છે એ રઝળી પડતને !'

'ઓ હો ! એ તો હું પણ સાવ ભુલી જ ગયેલો. આપણે જવું જ પડશે?'

'હા, મેં તો બધું નક્કી કરી નાખેલું છે. હમણાં ય પાછા ભાસ્કરભાઈ સાથે પાકું કર્યું. તેઓ બધા તો આપણી વાટ પણ જોવાનાં છે.'