લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એથીયે આગળનું ક્ષેત્ર શોધી કાઢે છે અને થોડા દિવસ સુધી આ નવું જ્ઞાન પ્રતિભા – geniusનું ક્ષેત્ર મનાય છે. આવો ક્રમ અનાદિકાળથી ચાલતો જ આવેલો દેખાય છે.

કવિતાનું શાસ્ત્ર થાય જ નહિ એમ એક કાળે મનાતું. સૌંદર્યશાસ્ત્ર અને કલાની ખૂબીઓ સહૃદય માણસ આપોઆપ સમજી શકે છે, એમાં બીજાને કંઈ શીખવવાનું હોય જ નહિ, એમ પણ મનાતું. અરે, રસોઈનું પણ શાસ્ત્ર થાય નહિ ! નાનપણમાં એક વાર્તાના મંગલાચરણ તરીકે મેં નીચેનું વચન સાંભળ્યું હતું :

“रागी बागी पागी पारखी और न्याव ।
इन पंचनको गुरु है पर उपजत अंगस्वभाव ॥”

વાર્તાકારનો ભાવ એ હતો કે ગાયન, બાગાયત, ઘોડઉછેર, રત્નની પારખ અને ન્યાય એ પાંચ ધંધામાં ગુરુ પાસેથી કંઈક શીખી તો શકાય છે, પણ આખરે તો માણસની અંદર જ એવું કંઈક હોય છે જે અપાય પણ નહિ અને લેવાય પણ નહિ. બિચારા વાર્તાકારને આમ બોલતી વખતે ખ્યાલ સરખો પણ નહિ આવ્યો હોય કે સરસ્વતીનું વરદાન ગણાતા એના વાર્તાકથનના ધંધાનું પણ એક કાઠિયાવાડી અધ્યાપક શાસ્ત્ર બનાવી દેવાના હશે !

શિક્ષકની કળા સાચું જોતાં ‘उपजत अंगस्वभाव’ છે ખરી, છતાં તેના એક એક અંગનું કરતાં આખી શિક્ષણકળાનું શાસ્ત્ર થઈ ગયું છે. સ્વચ્છંદ-વિહારિણી વાર્તા એક વિચિત્ર મુહૂર્તે કેળવણીની મદદમાં ગઈ એટલે શિક્ષકના હાથમાં સપડાઈ, અને તેનું પણ શાસ્ત્ર બની ગયું.