લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ ‘વાર્તાનું શાસ્ત્ર’ એકલા શિક્ષકોને જ ઉપયોગી નથી. ગ્રંથકારો, સાહિત્યાચાર્યો, ભાટચારણો, હિરદાસપુરાણીઓ અને નાટકકારો સૌને હવે પછી આ ‘વાર્તાનું શાસ્ત્ર’ વાંચ્યા વગર છૂટકો નથી. વાર્તાકથનપટુ માણભટો અને બારોટો, શિક્ષકો અને ઉપદેશકો, મુસાફરો અને બાવાઓ બધા જ એમાં પોતાની ખૂબીઓ સ્પષ્ટ શબ્દોમાં, સૌ સમજી શકે એવા રૂપમાં વર્ણવેલી જોઈ રહસ્યસ્ફોટ (Trade-secret) ઉઘાડું પાડ્યા માટે શાસ્ત્રકાર પર ચિડાશે. પણ સાથે સાથે નવી નવી કીમતી સૂચનાઓ આપવા માટે મનમાં તેમનો પાડ પણ માનશે.

વાર્તાના શાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં કેટલીક સારી ચોપડીઓ છે. ગિજુભાઈ જો તેનો ખાલી તરજૂમો કરત તો મને નથી લાગતું કે ગુજરાતી ભાષા અથવા તેમના પ્રિય શાસ્ત્રની કાંઈ પણ સેવા થાત. ‘उपजत अंगस्वभाव’ને ઓપ ચઢાવી તેઓ પોતે વાર્તાપ્રવીણ થયા; અનેક સાહિત્યોનું અવગાહન કરી પોતે વાર્તાવારિધિ બન્યા, અને પછી જ તેઓ આ ‘વાર્તાનું શાસ્ત્ર’ લખવા બેઠા છે. આ સ્વતંત્ર પ્રયત્ન હોઈ સ્વતંત્રતાનાં સર્વ લક્ષણો એમાં દેખા દે છે. શરૂઆતનાં પ્રકરણોમાં શાસ્ત્રીય પદ્ધતિની કંઈક જડતા જડી આવે છે. પણ વિવરણ જેમ આગળ જાય છે તેમ તેમ પ્રપાતની પેઠે તેનો વેગ વધતો જાય છે. વાર્તાશાસ્ત્રનાં બધાં અંગઉપાંગોનાં પ્રદેશોમાંથી પસાર થતાં લેખકની ભાષાશૈલી એવી તો ખીલે છે કે આપણે ખરેખાત વ્યાખ્યાન જ સાંભળતા હોઈએ એવું લાગે છે.

આ ગ્રંથની મુખ્ય ખૂબી તો તેના ઉત્સાહમાં છે. ગુજરાતી સાહિત્યના સુંદર નમૂના તરીકે શોભે એવી