સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે. રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે ન ઊતરે પણ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું આપોને”
ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં રમવા માંડે. ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું ? માબાપ આડે કેમ બોલાય ? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં.
એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં સોનબાઈની માએ નાના ભાઈને કીધું : “ભાઈ, ભાઈ ! આપણી સોનબાઈને જીવની ઘોડે સાચવજે.” ભાઈ કહે : “હો, બા ! એમાં તે કહેવાનું હોય ? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ. તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ જરા યે ન કરવા.”
સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં.
સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં એનું પોતિયું હેઠે પડી ગયું.
સોનબાઈ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું લાવોને ?”
ભાભી કહે : “લેને તારી મેળાએ ! તારા હાથ ભાંગી ગયા છે ? હું તે શાની આપું ?”
સોનબાઈને રોવું આવી ગયું.
સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે : “એમ ખાવાબાવા નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી