લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
વાર્તાનું શાસ્ત્ર-૧
 

ભરવા. આ પાણિયારું આખું ભરી દે, પછી ખાવા માગજે. જોજે જરા ય ઊણું રહેશે તો તારી વાત તું જાણી !”

સોનબાઈએ કોઈ દી પાણી ભરેલું નહિ. એણે તો બેડું માથે મૂક્યું, નદીએ ગઈ. પાણી ભર્યું ને બેડું માથે મૂકી રસ્તામાં બેડામાંથી પાણી ઢોળાતું જાય, સોનબાઈનાં લૂગડાં પલળતાં જાય ને સોનબાઈની આંખમાંથી ડળક ડળક આંસું ખરતાં જાય.

થાક ખાતી ખાતી માંડ માંડ સોનબાઈ ઘેર આવી.

સોનબાઈ રોતી રોતી સાંકળ ખખડાવીને બોલી : “ભાભી, ભાભી ! બારણાં ઉઘાડોને ?” ભાભી કહે : “આવી કે રાંડ ! આટલી બધી વાર ક્યાં થઈ ? જો, રેડ તારા બેડાને પેલા મોટા ગોળામાં. જોજે, ગોળો ફોડતી નહિ.”

સોનબાઈએ તો ગોળામાં પાણી રેડ્યું.

ત્યાં તો ભાભી કહે : “લે, ઊભી રહી કાં ? જા પાછી નદીએ આખું પાણિયારું ભર્યા પછી હેઠી બેસજે.”

સોનબાઈ તો રોતી રોતી નદીએ ચાલી.

સોનબાઈ નદીએ ગઈ એટલે પાછળથી ભાભીએ ગોળાને પથરો મારીને કાણો કર્યો એટલે એમાંથી બધું ય પાણી ચાલ્યું ગયું.

સોનબાઈ તો માંડ માંડ બીજું બેડું ભરીને આવી, ને જ્યાં ગોળામાં પાણી રેડવા જાય ત્યાં ગોળામાં પાણીનું એકે ય ટીપું ન મળે !

સોનબાઈ તો વિચારમાં પડી ગઈ.

ત્યાં તો ભાભી ભભકી : લે ! ઊભી ઊભી જો છો શું ? એમ કાંઈ એકબે બેડે તે ગોળો ભરવાનો હતો કે ? એ ગોળો તો વીશ બેડાંનો છે, વીશ ! એમ ઊભાં રહ્ય પાર નહિ આવે.”

સોનબાઈ તો રોતી રોતી વળી નદીએ ચાલી.