રસ્તામાં તેણે બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા દીઠા. તેણે એ વાત ધ્યાનમાં રાખી લીધી.
જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો ત્યાં એક કણબી આવ્યો અને મહારાજને કહે : “જોશી મહારાજ ! મારા બે ધોળા બળદ ખોવાયા છે; કઈ દિશામાં ગયા હશે તેનું જોશ જોઈ આપોને ?”
જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈ કહ્યું : “તમારા બળદો આથમણી સીમમાં ફલાણાના ખેતરમાં છે, તે ત્યાંથી લઈ આવો.”
પટેલ તો બતાવેલ ખેતરે ગયો એટલે તેને બળદો મળ્યા. તે ઘણો ખુશી થયો અને ટીડા જોશીને રાજી કર્યાં.
બીજા દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરઘણીએ તેને પૂછયું : “મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો કે આજે ઘરમાં કેટલા રોટલા થયા હતા ?”
ટીડા જોશીને તો કાંઈ ધંધો ન હતો, એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતના ટપાકા ઉપરથી ગણેલું કે તેર રોટલા થયેલા છે. એટલે તેણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું : “પટેલ ! આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.”
પટેલ તો બહુ આશ્ચર્ય પામ્યો.
ઉપલા બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ અને જોશી મહારાજ પાસે સૌ જોશ જોવરાવવા આવવા લાગ્યા.
એટલામાં રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો.
રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેણે તેને તેડાવ્યો.