લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
વાર્તાનું શાસ્ત્ર-૧
 

રાજાએ જોશીને કહ્યું : “જુઓ, ટીડા મહારાજ ! રાણીનો હાર ક્યાં છે અથવા કોણ લઈ ગયું છે, તે જોશ જોઈને કહો, હાર જડશે તો તમને ઘણા રાજી કરશું.”

જોશી તો મૂંઝાયા; જરા વિચારમાં પડ્યા.

રાજાએ કહ્યું : “આજની રાત તમે અહીં રહો, અને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જો જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.”

ટીડા જોશી તો વાળુ કરી પથારીમાં પડ્યા, પણ ઊંધ ન આવે.

જોશીના મનમાં ભય હતો કે સવારે રાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢશે.

ટીડા જોશીને ઊંઘ નહોતી આવતી એટલે તે ઊંઘને નીંદરડીને બોલાવવા લાગ્યા : “નીંદરડી આવ, નીંદરડી આવ.”

હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી અને તેણે જ રાણીનો હાર ચોર્યો હતો. “નીંદરડી આવ, નીંદરડી આવ.” એમ ટીડા જોશીને બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ. એને લાગ્યું કે ટીડા જોશી પોતાનું નામ જોશના બળથી જાણી ગયા છે.

નીંદરડીએ બચી જવાના વિચારથી ટીડા જોશીને હાર આપી આવવાનો વિચાર કર્યો. તે જોશી પાસે ગઈ અને બોલી : મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. મારું નામ હવે લેશો નહિ. હારનું તમે ગોઠે તેમ કરજો.

ટીડા જોશી મનમાં ખુશી થયા કે આ ઠીક થયું. નીંદર ઊંઘને બોલાવતાં આ નીંદરડી આવી અને હાર આપી ગઈ.

ટીડા જોશીએ નીંદરડીને કહ્યું : “જો; આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.”