લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૯૩
 

સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશી તો ઢોંગ કરી એકબે સાચા ખોટા શ્લોકો બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી, હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેળી બોલ્યા : “રાજા, રાણીનો હાર કાંઈ ખોવાયો નથી. તપાસ કરાવો; રાણીના ઓરડામાં જ તેમના પલંગ નીચે પડ્યો છે એમ મારા જોશમાં આવે છે.”

તપાસ કરાવતાં હાર પલંગ તળેથી મળ્યો. ટીડા ઉપર રાજા બહુ ખુશી થયો અને તેને સારું ઈનામ આપ્યું.

રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી.

ટીડા જોશીને લઈ રાજા એકવાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલામાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડડું પકડી લીધું, અને મૂઠી બતાવી ટીડાને કહ્યું : “કહો ટીડાજી ! મારી મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો.”

ટીડા જોશી પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે જરૂર રાજા મારશે. ગભરાઈને પોતાના જોશ સંબંધેની સઘળી હકીકત રાજાને કહી દેવા અને માફી માગવા માટે તે બોલ્યા :

“ટપ ટપ કરતાં તેર જ ગણ્યા,
વાટે આવતાં ધોરી મળ્યા;
નીંદરડીએ આપ્યો હાર,
કાં રાજા ટીડાને માર ?”

ટીડા જોશી જ્યાં “કાં રાજા ટીડાને માર ?” એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ પોતાના હાથમાંથી ટીડું ઉડાડી કહ્યું : “વાહ જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા !”