સીતાજીની તપાસ કરવા ત્યાં કેવી રીતે જવાય ?
એક વાંદરો બહુ બળવાન હતો; તેનુ નામ હતું હનુમાન.
હનુમાન કહે : “એ મારું કામ.”
હનુમાને રામનું નામ લઈને એવો તો એક કૂદકો માર્યો કે એક જ કૂદકે આ કાંઠેથી પેલે કાંઠે !
હનુમાનજી અશોકવાડીમાં ગયા.
ત્યાં એક ઝાડ નીચે સીતાજી બેઠાં હતાં.
તેમની ફરતી કાળી કાળી મોટા દાંતવાળી રાક્ષસીઓ હતી.
હનુમાનજીએ સીતાજીને રામની વીંટી આપી. સીતાજીને હનુમાનજી વાતો કરતાં હતાં ત્યાં રાક્ષસો આવ્યા.
તેઓ કહે : “પકડો આ રામના દૂતને. એને બાંધો ને સળગાવો.”
હનુમાનજીને પૂંછડે ગોદડાંના ગાભા બાંધ્યા, ઉપર તેલ છાંટ્યું ને પછી સળગાવ્યું.
હનુમાનજી તો હૂપ હૂપ કરતા જાય અને ગામનાં છાપરાં સળગાવતાં જાય.
આખી લંકા ભડભડ બળવા લાગી.
હનુમાનજી પાછા દરિયામાં પડી સામે કાંઠે ગયા.
રામ લશ્કર લઈ રાવણની સાથે લડવા આવ્યા.
પછી રામરાવણની જંગી લડાઈ થઈ.
રામે રાક્ષસોને મારી નાખ્યા.
રાવણનાં દસ માથાં ને વીશ હાથ રામલક્ષ્મણે કાપી નાખ્યાં.
પછી રામ, લક્ષ્મણ ને સીતાજી ત્રણે જણાં વિમાનમાં બેસી પોતાને ઘેર આવ્યા.