કણબીએ વિચાર્યું કે એને એક ચતુર સ્ત્રી પરણાવું ને જોઉં તો ખરો કે વહુ કાંઈ એને ડાહ્યો કરે છે ?
પછી પટેલે એને સારા ઘરની દીકરી પરણાવી.
થોડા દિવસ ગયા એટલે બાપ અને દીકરો ગામ ચાલ્યા.
બાપે મનમાં વિચાર કર્યો કે લાવને જોઉં તો ખરો કે વહુએ દીકરાને કેવુંક ડહાપણ આપ્યું છે ?
બાપે દીકરાને કહ્યું : “દીકરા ! વાટ કાપને.” દીકરાની બુદ્ધિ તો જાડી હતી. દીકરો ગાડામાંથી કોદાળી અને પાવડો લઈને હેઠે ઊતર્યો ને રસ્તો કાપવા લાગ્યો.
બાપ સમજ્યો કે દીકરાની બુદ્ધિમાં કાંઈ ફેર પડ્યો નથી. બાપે ગાડું પાછું વાળ્યું. ઘેર આવીને વહુને પિયર મોકલી દીધી, ને દીકરાને બીજે દિવસે બીજી વહુ પરણાવી.
થોડાએક દિવસ ગયા ત્યાં પાછા પટેલ ગાડું જોડીને દીકરાને કહે : “ચાલ આપણે ગામ જઈએ.”
દીકરો તો ગાડે બેઠો.
બેત્રણ ગાઉ ગયા એટલે બાપે કહ્યું : “દીકરા ! વાટ કાપને.” દીકરો તો ઝડપ કરતો કોદાળી ને પાવડો લઈને ગાડામાંથી હેઠે ઊતર્યો ને રસ્તો ખોદવા લાગ્યો.
બાપના મનમાં થયું કે હજી ભાઈ તો એવા ને એવા જ છે. આ નવી વહુમાં યે કાંઈ વધારે અક્કલ નથી જણાતી.
બાપે ગાડું પાછું વાળ્યું ને બાપદીકરો ઘરે આવ્યા. ઘેર આવીને પટેલે વહુને પિયર વળાવી.
થોડાએક દિવસ ગયા એટલે પટેલે દીકારને ત્રીજી વહુ પરણાવી ને કેટલાએક દિવસ પછી પટેલ દીકરાને ગાડે બેસારીને ગામતરે ચાલ્યા.