તરંગોમાં વધારે ને વધારે ઊંચે ઊડવા માટે, વાસ્તવિકતાની
દુનિયાને સમજીને તેમાંથી કલ્પનાના પ્રદેશો ઉઘાડવા માટે,
પોતાના અનુભવોને ફરી ફરી વાર વાર્તા દ્વારા તાજા કરવા માટે,
પોતાની અપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, પોતાની અક્રિય
રહેતી લાગણીઓનાં ઝરણાંઓને પૂર્ણ જોસથી વહેવડાવવા માટે
અને છેવટે પોતાની આસપાસની અણગમતી દુનિયાને તેનાં
નાનાં નાનાં પોતાની મર્યાદામાં આવેલાં દુઃખોને ઘડીભર વીસરી
જવાં માટે વાર્તાઓનું શ્રવણ ચાહે છે. આ ચાહના પાછળ કોઈને
કોઈ પ્રકારના આનંદની ઝંખના છે. સમાજઘટના, ગૃહ તથા
કુટુંબ-વ્યવસ્થા અને ધર્મની સંયોજના એવી છે કે મનુષ્યને
પોતાના અનેક નિર્દોષ આનંદને શોધતાં અને હાથ લાગે તો તેને
અનુભવતાં અનેક મુશ્કેલીઓ નડે છે. કૃત્રિમ સમાજમાં જ્યાં જ્યાં
સ્વાભાવિક આનંદનો વિરોધ થાય છે ત્યાં ત્યાં માણસને પોતાનો
આનંદ કૃત્રિમ સાધનો વડે શોધવો પડે છે. વાર્તા એક આવા
પ્રકારનું સાધન છે; નાટક અને સિનેમા પણ આવાં જ સાધનો છે.
સાધનની જેટલી શુદ્ધિ તેટલા પ્રમાણમાં સાધનોનો સ્વીકાર વ્યવહાર્ય
છે. નાટકો અને સિનેમા વગેરે આનંદ આપનારાં સાધનોનો
ઉલ્લેખ આ સ્થાને અપ્રાસંગિક હોઈ તે છોડી દેવો પડે છે. પણ
વાર્તા એ આનંદનો વિષય છે એટલું જ અહીં વિચારવાનું છે.
સમાજ- જીવન સ્વાભાવિકતાને સંપૂર્ણપણે પામે એ આજે, કાલે
કે વર્ષો સુધી સંભવિત નથી. જ્યાં સુધી સમાજજીવન માણસના
આનંદોને થોડે યા ઘણે અંશે લઈ લે છે, ત્યાં સુધી વાર્તાના
કથનની ઉપયોગિતા ઊભી જ રહેવાની. એક વખત એવો આવી
લાગે કે જ્યારે મનુષ્ય વાસ્તવિકતાનું સૌંદર્ય એટલું બધું સમજી
જાય, જ્યારે મનુષ્ય વાસ્તવિકતામાં સંપૂર્ણ સુખનો ભોક્તા બને