પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

ચિતા-ચડેલા શબનું બેઠા થવું : ગરાસિયાના ઘરો ખંડેરો બન્યા હતા. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા થોલતા તેને ઉડાડવા માટે પૂછડાની તાકાત તૂટી ગઈ હતી.

સજીવન હતો ફક્ત વાઘરીવાડો. કૂબાનું લીપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કૂબાના ફળિયામાં પડેલા અજીઠા હાંડલાને કૂતરાઓની ઔષધિમાય જીભો જયારે દાણોદાણો ચાટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંજેલા જેવા બનાવી રહી હતી ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કૂબાને છાપરે ઝૂલા ખાઈ રહેલ ઠીબમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો, જેણે દસ વરસ પરની એક સંધ્યાએ તેજુની આડે પાડીને ગામલોકોનો લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા :

“ફરી વાર પાછી ઝાપડાઓને લે’ર થવાની !”

“કેમ ?”

“શેઠનો છોકરો હવે ઘડી-બે ઘડીનો મેં’માં છે. ખાપણમાં તો રોગા રેશમના રેટા જ ઓઢાડશે ને !”

“વાધરા બાઝી મારવાના. ઓલ્યો પે’લ વારકીનો મૂઓ ત્યારે કેવી બઘડાતી બોલેલી, ભૂલી ગ્યા ?”

“આપણે તો હમણાં ઊલટાના ભારી એક દાતણ રોજ નાખવા પડે છે શેઠને ઘરે. આપણને કાઈ લાભ ? મેં’માનોનો કાઈ પાર છે ?”

“ને હવે તો દાગતરુ મલક બધામાં હાલી મળ્યા છે. “ બોલનાર વાઘરી ભૂવો હતો : “ એટલે માતાના દાન જોવરાવતુંય લોક મટી ગયું છે. માતાના નામની માદળડી એક વાર તો બાંધી જોવે – પણ હવે એને કે’વા કોણ જાય ?”

‘માદળડી ‘ શબ્દ સાંભળીને એક સિતેર વરસનો ડોસો ઉભો થયો. એ પોતાના કૂબામાં ગયા. બે-ચાર માટલા પડ્યા હતા તેમાં તેણે