પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

ફોડામાં નાખીને જાનથી મારી નાખત. એની ભૂખ આંધળી છે. એ એના બળદને ખખડાવ્યા વગર પરોણા ઝીંકે છે. એનું છોકરું પરમ દી મરી ગયું તેથી એ ખુશાલી કરે છે. એ સાચું કહેતો'તો - હવે ધરતીને માથે સમાસ નથી. ધરતી આ ગધેડા જેવી છે. ને ગધેડો મારા જેવો છે. તુંય ધરતી જેવો છો, સમાસ નથી તોય આપણે બધં આપની પીઠ પર ભૂખને ભેળી કરીએ છીએ. હું હકીમ છું, એટલે મોટો ગધેડો છું. મારી કને ઊંચા માયલું ઝેર નથી. પણ કાચની ભૂકી કરીને તમારી બેયની ખીચડીમાં મિલાવી દેવાની મારી પાસે વિદ્યા છે, છતાં હું એ વિદ્યાને વાપરતો નથી. શા માટે નથી વાપરતો ? તો કહું છું કે હું રાજહકીમ નથી. હું મુફલિસ હકીમીમાં જ રહી ગયો. હું ગામડાં ભમ્યો છું, મારી કને કેટલી ગરાસણીઓએ ઝેર માગ્યું છે, ખબર છે? મેં દીધું હોત તો હું ન્યાલ થઈ જાત, ને હું રાજહકીમ બની જાત. પણ ગધ્ધો છું ને મેં ગધ્ધા જ ભેગાં કર્યાં છે. નીકર મૂએલી માંના છોકરાંને લઈ ગામપરગામ શીદ ભટકત!"

વચ્ચે રીંછણે ઘુરકાટા કર્યો.

"હું તને નથી કહેતો, હેડમ્બા! તું ગધ્ધી નથી. તું અંધી પણ અન્થી, તું કોઈની મા પણ નથી. છોકરાં રઝળાવીને ભાગી જવાનું તારા જેવી ખાનદાન બાઈને નથી કરવું પડ્યું એ જ મને તો નવાઈ છે. આ તો બધાં ખાનદાનોના કામ છે, ને મારું કામ ખાનદાનોના કામનું ફળ ભોગવવાનું છે. લાવ, લાવ, હવે અંધીને મારે ખંધોલે. તું થાકે જઈશ, ઝંડૂર ! ને તું મારી પાછળ હાલ. મને અંધીનો ડર લાગે છે. સમાલજે, મારી ગરદન પર એ દાંત ન પીસે. આ લે આ રાણકોકડી દે એને. વાંદરી માટે આવતે ગામ વળી કાં'ક મળી રે'શે."

ડોસાએ અંધી છોકરીને પોતાના ખભા પર લીધી. ઝંડૂરે ડોસાનું ઢોલક ખભે ભરાવ્યું. છોકરીને ધીરું ધીરું ઢોલક સંભળાવતો એ પછવાડે ચાલ્યો ને અષાઢ મહિનાનાં વાદળાં ઇશાન ખૂણાના રાજમહેલમાં કરી રહેલાં હતાં તે કાવતરું પોતાના પહેલા છાંટા પાડવા લાગ્યું ત્યાં તો આ