છે, કોઈને હું છતી આંખે અભડાવીશ નહિ. તમને રાંધણું કરી દઈશ, શાક-દાળમાં મીઠું તમે તમારે હાથે જ નાખજો. "
" એક જ વાતે તારું વ્રત પાળવા દઉં. " લાલકાકાએ વધુ જિકર કરાવવાનું વ્યર્થ સમજીને એ ' નીમ 'ને સત્કાર્યું.
" કહ્જો. "
" કે મારી થાળી તો તારે જ કરવાની છે. મીઠું નાખતાં મને આવડતું હોત તો જિંદગી જ કેમ મીઠા વગરની રહી જાત ? ને હું વટલાયે હવે કોને નાહવા-નિચોવવાનું છે ? મારી પાછળ કોણ રહેવાનો છે ? "
તેજુ આ છેલ્લા વાક્યમાં રહેલી ઊંડી મનોવેદના માપી શકી. લાલકાકાની એકની રસોઈનું મીઠું એને જ હાથ રહ્યું.
ને પછી મોડી રાતે તેજુને ઓરડો ભળાવી પોતે સૂસવતી ટાઢમાં પણ પાછલા વાડામાં પથારી કરી. રોજેરોજ કરતાં એ વાતને એ વ્રતોને આજે દસ વરસ વહી ગયાં છે, ને ગામમાં એનો કુળધર્મ દાખલારૂપે દેવાય છે : ' દ્વારકાધીશની પડોધમાં એના માવતરનું ગામ છે. ને બાઈ, આપણે ગુજરાતમાં એકાદ તીરથ, ત્યારે કાઠિયાવાડ્યને આંગણે તો હરિનાં ધામ પારંપાર. કુળધરમ તો કાઠિયાવાડનો જ, હોં બા ! "
ત્રંબોડા ગામ નહોતું ગામડું તેમ નહોતું શહેર. ગામડાનો ગુણ નહોતો રહ્યો, ને શહેરના તમામ અવગુણો રગરગમાં પ્રવેશી ગયા હતા. દૂધના હાંડા ભરી ભરીને ગામડિયાં આવતાં ને હૉટેલોના તાવડામાં ને ડેરીનાં પીપોમાં ઠાલવી પાછા વળતાં. તેજુ બારીએથી જોયા કરતી ને પાણીનો લોટો પીવા આંગણે અવતી મહિયારીઓને વાતો પૂછતી.
' અમારાં છોકરાંને માટે છાશ જેટલુંય ન રાખીએ, બા ! દૂધ-છાશનો કજિયો કરે તો ચોખાનો લોટ ડોઈને ચપટી મીઠું કાં ખાંડ ભેળવી ભોળવી લઈએ.'
મહિયારીઓ વહી જતી ને તેજુના અંતરમાં એક જ વ્યથા મૂકી જતી, કે સગા પેટનાંનેય છાશ ન પાનારાં લોક મારો છોકરો આ