પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧
વસુંધરાના વહાલાં-દવલાં
 


એક સફેદ સાડી પહેરીને જ એણે ઘર છોડ્યું, ને ઘરમાંથી પોતે ચાર ચીજોની ચોરી કરી : લાલકાકાનું લંબી બાંયવાળું પહેરણ પહેરી લીધું : ને એ ગળાઢક, કાંડાઢક પેરણ પર બે માળાઓ પહેરી લીધી. પૂજાના સામનમાંથી ટીલું કરવાનું કંકુ લઈ લીધું.

ભેંસ એને જતી જોઈ. ભેંસ રણકી. ભેંસને ખીલે ઘાસ નહોતું. ઘાસ પોતે નીરતી જોઈ.

સવારે વાણિયો જાગ્યો અને નિયમ મુજબ દાતણ-નાવણ આટોપવા લાગ્યો. આટલું વહેલું બધું ગોઠવી દઈને ફરી સૂઈ ગઈ જણાય છે. સૂવા દો. કાલે કરેલા વલોપાતનો વિસામો ખેંચતી હશે. ભલે ખેંચે. લાલકાકાએ નિરાંતે દાતણ ડોયું. ઘસીને નહ્યા. લાલકાકાએ રોજ કરતાં બેવડી માળા ફેરવી. છો ઊંઘતી. જીવને જંપ વળશે, ભેંસ હજુ દોહી નહોતી, દૂધ પીને દુકાને જવાનો નિત્ય નિયમ હતો. કાંઈ નહિ, નથી જગાડવી. થોડી વાર રહીને પી જઈશ.

દૂધ પીવા પાછા આવેલા લાલકાકાની સામે ભેંસે ફરડકો માર્યો ને માથું ધુણાવ્યું. પાડી ખીલેથી ખેંચાઈને ટૂંપાતી હતી, ફળીમાં દેગડું ને ધોતી, પરશાળની કોરે લોટો ને છીંકણી, ખૂણામાં પાથરણું ને માળા જેમનાં તેમ પડ્યાં હતાં. ઓરડામાં પથારી ખાલી હતી. રસોડામાં ઊલા ઠંડા પડ્યા હતા. પણિયારે બેડું ને માટલાં ઠાલાં રણક્યાં. લાલકાકાના શરીરમાં એક ધ્રુજારી છૂટી અને વળતી પળે સ્વેદ બાઝ્યાં.

છાશના લોટા લઈને કેડ્યે છોકરાં તેડેલ બાઈઓ આવી. લાલકાકાએ ઝટપટ જવાબ વાળી દીધો : " આજ છાશ નથી કરી. કાલે ભેંસ વટકી હતી. દોવા નથી દીધું."

નક્કી એ રૂપનગર ચાલી ગઈ. એની ધારણા ઊલટી દિશામાં દોડધામ કરી ઊઠી.

" ચંપાભાભુ, શું કરવા માંડ્યું ? ક્યાં ગયાં ? આ છોકરાને પગે લગાડવા આવી છું. અણઉતાર તાવ હતો, લાલકાકા ! દવાદારૂના તો બાટલા ને બાટલા ઠાલવ્યા આ ગભરૂના પેટમાં, પણ તાવ ઊતરે ! જેમ