પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫
વસુંધરાના વહાલાં-દવલાં
 


' જિપ્સીઓની કલા અને અજંટાની કલામાં મળતાપણું છે. ' અજંટા-પ્રેમી પોતાનો હક્ક જતો કરવા તૈયાર નહોતો.

' મોંહેં-જો-ડેરોમાંથી નીકળેલી મૂર્તિઓ જિપ્સીજીવનને વધુ મળતી આવે છે.' એક નવા ખોદાયેલા પ્રાચીન નગરનું નામ મોંહેં-જો-ડેરો હતું, ને એ નામ લેવું તે સંસ્કૃતિના ઊંડા અવગાહનની અચૂક એંધાણી જેવું હતું એમ સમજનાર બીજાએ કહ્યું .

રૂપનગરના રંગાલયમાં જે રાતે આ જિકર મચી હતી તે રાતે વૈશાખી પૂર્ણિમાની આગલી ચૌદશની રાત હતી. મદારી-કુટુંબને સુખસગવડમાં આળોટતું મૂકીને જગ્યાના રખેવાળો ઊંઘવા ચાલ્યા ગયા હતા. બુઢ્ઢા મદારીને સુગંધી સિગારેટો અવતાર ધરીને પહેલી જ વાર પીવા મળી હતી. સિગારેટના ધુમાડામાંથી નીકળતી ખુશબોનું પોતાના દેહ પર ને મૂછ-દાઢીમાં લેપન કરી લેવા માટે મદારી ધુમાડામાં હાથ ઝબકોળતો હતો.

" બદલી-ઝંડૂર ક્યાં ગયાં ? " એણે બે છોકરાંને બૂમ મારી.

અંધી છોકરીનું નામ એણે ' બદલી ' પાડ્યું હતું. બદલી એટલે વાદળી. વાદળી અને બદલી વચ્ચે એક સમાનતા હતી. અંધી બદલીનાં નેત્રોમાંથી પણ પાણીની ધાર છૂટ્યા કરતી હતી.

છોકરાં સ્થાનમાં નહોતાં. મદારીએ બહાર નજર નાખી. નદીનાં ઊંડાં કોતરો ચાંદની પીને પડ્યાં હતાં. કોતરો ડાકુઓ જેવાં હતાં. વચ્ચે થઈને વહી જતી નદીનો પાતળો છીછરો પ્રવાહ ડાકુઓના પણ દિલ વચ્ચે ક્ષીણ વહેતી લાગાણી જેવો હતો. ઊડી જતું કોઈ કોઈ બગલું હવામાં તરતા રૂના પોલ જેવું લાગતું. પ્યારભરી ગૃહિણી-શી ચાંદની બહુ બોલ્યા વગર જ જગતના હૃદયમાં ઓતપ્રોત બનતી હતી.

"ઓ બેઠાં." મદારીએ નજીકની એક ભેખડ ઉપર બેઉ બાળકોને જોયાં. એમને જોઈને એ ઝાડના કાળા પડછાયામાં બેઠો. ત્યાં એ પાન-સોપારી ચાવતો હતો. ઝાડની ડાળખી હલતી હતી, ચાંદનીનાં કિરણો એ સોપારી ચાવતા દાંતની પીળાશને બહાર પાડી પાછાં ડાળીના