લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

છે તેની મુને દયા આવે છે. એટલે હું ખોટેખોટું પણ માની લઈશ. પણ ડોસા, તું તારે રસ્તે પડી જા ! આ એમ કહ્યું એટલે ડોસે આંહીં આંબલીની ડાળનો રસ્તો લીધો."

"સાચો રસ્તો તો ઈ એક જ છે ને, બાપા !" એક બુઢ્ઢો સોપારીની ચપતરી મોંમાં નાખતો બોલ્યોઃ "રસ્તો તો એક જ છે ઃ ઈનાં રૂપ ન્યારાં ન્યારાંઃ કોઈ ઊનિયા-ટાઢિયા તાવે મરે, કોઈ કોગળિયે, કોઈ બગાસું ખાતે ખાતે, ને કોઈ ગળાફાંસો ખાઈનેઃ કોઈ રાબશીરા ખાતું ને કોઈ લાંઘણ ખેંચતુ."

"એલા લ્યો આ કાતર્યો. વેરડે ભાભે મને કહ્યું કે લઈ જા." એક છોકરો ખોઈ ભરી લાવ્યો.

"તને મળ્યો ?"

"તયેં ? આંબલીની પોલમાં બેઠેલો મેં નજરોનજર ભાળ્યો ને !"

"કેવો હતો ?"

"એના ગળામાં ગાળિયો હતો."

"તું બીનો નહિ ?"

"એણે કહ્યું કે તમે મારાં જેવાં છો તેને નહિ બિવારું. તમે નાનાં છોકરાં છો. મારી દીકરીનેય આવડું બાળક રમતું હશે, માટે માંનાં જણ્યાંને હું નથી બિવરાવતો. તેટલાં છોકરાં હો ઈ આંહીં આંબલીએ રમવા ખુશી ખાતે આવજો."

"એલા તેં ચળીતર જોયું !"

"તે શું છે ?"

"ખાટી ગયો !"

"કેમ ?"

"ભાભો તને માયા દેશે."

"શી રીતે ?"

"હવે તો ધોળે દા'ડે પણ સૂઝે એના ઘરમાં ખાતર પાડીશ ને તોય તને કોઈ ભાળશે જ નહિ."