મારો, મારો એને મારીને કટકા કરો. એ ઝાંપડી છે, નક્કીએ ભંગડી છે.”
‘મા ! મા ! માડી !’ એવી ચીસ એ ભાંગેલા કૂબાની અંદરથી ઉઠતી હતી. એક બાળક પચીસ પચાસની હડફેટે ચડ્યું હતું. માડી તું ક્યાં છો ? માડી ! માડી , આ રહી ! માડી આંહીં-આંહીં બાપ આંહીં મારા ફૂલ - એ શબ્દો ‘મારો મારો’નાં દેકારાની નીચે ચોપાઈ ચોપાઈને જાણે કે એકબીજાને શોધતા હતા.
“બોલ, હવે તારે શું કહેવું છે રાંડ માનવ-ભક્ષીણી !” એક આધેડ ઉંમરના બ્રાહ્મણે તેજબાની સામે ડોળા ફાડ્યા.
“તમને - તમેન તમારામાંથી પાંચ સાતને હું ઓળખું છું.” તેજબા કરાળ અવાજે, નાના બાળકની ચીસો શા કારણથી શમી ગઈ હતી તે સમજી કરીને કહ્યું, “તમે ખીજાડા-તળાવડીની મારી તંબુડીએ બહુ ડી આંટાફેરા માર્યાંતા, નહીં ગોર? તે દી હું ઝાંપડી નો’તી, માનવભરખણી નો’તી, પણ તમારા ફેરાફોગટ ગયા એટલે જ આજ...”
“મારો ! મારો ! મારો રાંડને! બદનામ કરે છે બ્રાહ્મણના દીકરાને ! સોમયજ્ઞનાં ઉપાસકોને! મારો ! મંત્ર ભણો, બાળી ભસ્મ કરો એને !”
“આઇ બધાં નામ તું બાઈ, હવે થાણામાં ઉ લેજે.” મુખીએ કાઠીને ગળથૂઠીમાં પાયેલી માર્મિક વાણી ચલાવી : “મારું, અમરચંદ શેઠનું, એના છોકરાનું, આ એંશી વરસના ધનેશ્વર બાપાનું, જેટલાં નામ હૈયે રહે એટલાં નામ લેજે ને ! તારે કોઈ પણ વાતે નાણાં જોઈતાં’તાં-“ શેઠના પુત્રનું નામ પડતાં જ તેજબાનાં પોપચાં નીચાં ઢળ્યાં. એણે ઓઢણીને કપાળ નીચે ખેંચી લીધી.
“હં-અં !” ધનેશ્વર ગોર બોલી ઊઠ્યા ત્યારે એના બોખા મોં માંથી થૂંક ઊડયું : “ હવે મુદ્દાની વાત કરી નાખી મુખીએ. નાણાં કઢાવવા’તાં એને.”
"અરે કોઈ થાક્રનો ભો રાખો!" એક અવાજ આવ્યો.
"ક્યો છે ઈ !" ધનેશ્વરે ત્રાડ નાખી તે સાથે જ તમામની આમ્ખોએ એ બોલનારને વીણી લીધો.