પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

સંદેશા પહોંચ્યા. નાટકો, રૂપેરી ચિત્રપટો, સરકસો અને કજ્જનો-ગૌહરો જ્યાં સોણલામાં પણ સાંપડવી અશક્ય છે તેવાં ગામડાંમાં અખૂટ હાસ્ય વેરતા બાળક ઝંડૂરિયાનું બિહામણું જોણું કેટલ ગજબ મૂલનું બની ગયું !

12

નવીનતાને દ્વારે

મદારીનું વિલક્ષણ કુટુંબ-મડળ જ્યારે ઉગમણા મુલક તરફ ઊપડતે પગલે મજલ કાપતું હતું ત્યારે ઇંદ્રનગરના અનાથ-આશ્રમમાં હજુ કોઈ શોરબકોર નહોતો ઊઠ્યો. નવો બાળક ઊંધી ખોપરીનો છે એટલે આશ્રમમાં જ ક્યાંક આંટાફેરા મારતો હશે એમ સમજીને દિનચર્યા ચાલુ હતી. અનાથાલયનું મકાન ઘણું આલેશાન હતું અને દિવસે દિવસે એની ભવ્યતા-વિશાળતામાં ઉમેરો થયા જ કરતો. કેમ કે એ જીવતાં બાળકોને ઉછેરવા કરતાં મરતાં માણસોને અમર કરવાના જ ખપમાં વિશેષ લાગી પડ્યું હતું. એની જાહેરખબરોમાં સૌથી વધુ મોટી અપીલ 'રૂ. ૫૦૦ આપીને તમારાં નામ અમર કરો'ની હતી. શેઠ લીલાધર લલ્લુભાઈનાં જે 'સદ્‍ગત પત્ની પ્રેમબાઈનાં સંસ્મરણાર્થે' ત્યાં ઓરડો ચણાયો હતો તેના પથ્થરોને બાપડાને જીભ નહોતી, નહિતર હસી હસીને એવું પેટ ફાટી પડત. 'શેઠ રઘા બધા'ના જે સ્વર્ગસ્થ બાળકની તકતી ત્યાં ચોડાઇ હતી તે બાળકની કુમળી વયે સ્વર્ગનો પંથક પકડાવનાર એની સાવકી મા જ હતી. 'પેથાભાઈ પદમશી બાળક્રીડામંદિર' પેથાભાઈએ પોતાના બહેનની થાપણ ઓળવીને હસ્તગત કરેલાં નાણાંમાંથી બંધાવ્યું હતું. એવી ઝડપી દદ્‍ગતિ અને સસ્તી અમરતા આપનારાં આ બહોળાં સ્મારકો એક જટિલ અટવી રચીને ઊભાં હતાં એમાં નવો છોકરો ક્યાંક ભૂલો ભૂલો પડ્યો હશે એમ લાગવાથી થોડાક કલાક પછી એની શોધ ચાલી,