લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉદ્દેશથી ઓતમચંદ ઈશ્વરિયે જવા તૈયાર થયો. જોકે, છેવટ સુધી એના મનમાં ઊંડે ઊંડે ક્ષોભ તો રહ્યા જ કરતો હતો કે દકુભાઈએ હવે સઘળો સંબંધ અને વ્યવહાર તોડી નાખ્યો હોવાથી એને આંગણે વણનોતર્યા જવું એમાં નામોશી ગણાય. પણ અત્યારે ‘માના જણ્યા દકુભાઈમય’ બની ગયેલી લાડકોર આવી દલીલ સાંભળવા તૈયા૨ જ ક્યાં હતી ?

જામેલા વેપારના દિવસોમાં વછિયાતી ઉઘરાણી પાછળ જે ઘોડી પરથી જીન ન ઊતરતાં એ પવનવેગી ચંદરી તો દેવાળું કાઢ્યા પછી લેણદારોને ખંડી આપવી પડેલી. તેથી ઓતમચંદે પગપાળા જ પંથ કાપવાનો હતો. ઘરમાંથી ઘી જેવી ચીજનો તો સ્વાદ જ જાણે કે ભુલાઈ ગયો હતો તેથી ગોળપાપડીનું ભાતું બાંધવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. લાડકોરે વહેલી પરોઢમાં જ સાથવાનો ભૂકો શેકી નાખ્યો અને સાથે ગોળનો ગાંગડો બાંધીને ઓતમચંદ માટે રસ્તે ખાવાનું ભાતું તૈયાર કરી નાખ્યું.

વહેલી સવારમાં વિદાય થતી વેળા બટુક જાગી ગયો હોવાથી એણે પિતાને પૂછ્યું: ‘ક્યાં જાવ છો ?’

ઓતમચંદ બાળાભોળા બટુકને સાચો ઉત્તર આપતાં અચકાયો, પણ લાડકોરે તુરત હરખભેર કહી દીધું: ‘બેટા, મામાને ઘેર જાય છે…’ અને પછી પુત્રને રીઝવવા માટે માતાએ ઉમેર્યું: ‘તારે સારુ વાવા લાવશે, રમકડાં લાવશે. ઘણું ઘણુંય લાવશે…’

માતાએ આપેલાં મોટાં મોટાં વચનોથી બટુક રાજી થઈ ગયો.

પુત્રના ચહેરા પરની મુસ્કરાહટને ફિલસૂફની ગમગીન નજરે અવલોકતાં ઓતમચંદે ઈશ્વરિયાનો કેડો લીધો.


મારો માનો જણ્યો!
૧૩૫