લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાચની સંસ્કૃતિનું આવું પ્રદર્શન જોઈ કપૂરશેઠ તો એવા અંજાઈ ગયેલા કે કુતૂહલથી અનેક પ્રકારના બાલિશ પ્રશ્નો પૂછવા લાગેલા. કાચનાં કપરકાબીમાં બદામ-પિસ્તાં ને ચારોળી મિશ્રિત દૂધ આવ્યું ત્યારે ભોળા ભાવે પૂછી નાખેલું:

‘દકુભાઈશેઠ, આ ઠામ વળી કઈ ધાતુનાં ?’

‘ધાતુ નથી, કાચ છે કાચ !’ દકુભાઈએ ગર્વભેર જવાબ આપ્યો. ‘ફણફણતાં દૂધ રેડો તોય હાથ ન દાઝે.’

કાઠિયાવાડમાં એકાદબે રેલવે જંક્શનોના અંગ્રેજી ઢબના રિફ્રેશમેન્ટ રૂમ સિવાય બીજે ક્યાંય કાચનાં વાસણોનો વિસ્તા૨ હજી નહોતો વધ્યો ત્યારની આ વાત. કપૂરશેઠે સ્વાભાવિક જિજ્ઞાસાથી જ પૂછી નાખ્યું:

‘આ ઠામ મોઢે માંડવામાં ધરમનો કાંઈ બાધ નહીં ને ?’

દકુભાઈએ ખડખડાટ હસી પડીને આખા દીવાનખાનાને ગજવી મૂક્યું. બોલ્યા:

‘અરે મારા શેઠ, આવાં કપરકાબી તો આગલે ભવે જેણે પાંચે આંગળીએ પુણ્ય કર્યાં હોય એને જ જડે. અમારે મોલમિનમાં તો કાચની જ થાળી ને કાચનાં જ કચોળાં… અમારે મોલિમનમાં તો કુલહોલ યુરોપિયન સ્ટાઇલથી જ રહેવાનું… અમારે મોલમિનમાં તો—’ વાક્ય અધૂરું રહી ગયું. દીવાનખાનાના બારણામાં ઓતમચંદ આવી ઊભા.

ઓતમચંદનો દીદાર અત્યારે એવો હતો કે પહેલી નજરે તો એને ઓળખવો મુશ્કેલ પડે. પગપાળા કાપેલા લાંબા પંથે એના ઉઘાડા પગની ઘૂંટી સુધી ખેતરાઉ ધૂળના થથેરા લગાવી દીધા હતા. પેટમાં પડેલા વેંતએકના ખાડાના કારણે એની આંખો વધારે ઊંડી ઊતરી લાગતી હતી. વધેલી દાઢી ધૂળિયા મારગે રજોટાતાં આખો દીદાર વિચિત્ર લાગતો હતો.

દકુભાઈને મોઢેથી આવકારનાં ઉપચાર-વાક્યોની રાહ જોતો ઓતમચંદ ઉંબરામાં જ ઓડાની જેમ ઊભો રહ્યો.

૧૩૮
વેળા વેળાની છાંયડી