લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એના પ્રત્યે મૂંગે મોઢે દાંત કચકચાવતાં દકુભાઈએ આ શુભ કાર્ય ઝટપટ આટોપી લેવાનું નક્કી કર્યું.

બાલુ પણ યૌવનસહજ ઉત્સુકતાથી કપાળ કંકુઆળું માટે એવો તો થનગની રહ્યો હતો કે પોતાના હાથમાંની બીજી થેલી પટારામાં મૂકવા રોકાયા વિના, ખાણિયાની પાળ પર જ મૂકીને, ઝડપે આવ્યો હતો એથીય વધારે ઝડપે તુળજા ગોરને તેડવા દોડ્યો.

દીવાનખાનામાં કપૂરશેઠ ક્યારના ઓતમચંદના ક્ષેમકુશળ પૂછવા માટે ઓસરીમાં આવવા ઊંચાનીચા થઈ રહ્યા હતા. ઝીણી નજરવાળો મકનજી આ ઉત્સુકતા પારખી જતાં એ કોઈ પણ હિસાબે મહેમાનને એમના આસન ઉપર જ બેસાડી રાખવા મથતો હતો. પોતે તો મુનીમ તરીકે આચરેલી બેવફાઈ બદલ મનમાં એટલી ભોંઠપ અનુભવી રહ્યો હતો કે ઓરડાની બહાર નીકળીને જૂના શેઠને મોઢું બતાવવાની પણ એનામાં હિંમત નહોતી. પણ કપૂરશેઠ પણ રખે ને બહાર નીકળે ને ઓતમચંદ એમના કાન ભંભેરે, તો અત્યાર સુધીનું કર્યું-કારવ્યું ધૂળમાં મળે એવા ભયથી મકનજી નાસ્તાની રકાબીઓ ફરી ફરીને ભરતો હતો અને મહેમાનોનાં કાંડાં મરડી મરડીને મીઠાં સમસાગરાં દઈ દઈને એમને આસન પર જ બેસાડી રાખતો હતો.

દકુભાઈની અકળામણ ક્ષણે ક્ષણે વધતી જતી હતી. ઘરણ ટાણાના સાપની જેમ વણનોતર્યા આવી ઊભેલા બનેવીને શી રીતે માનભેર પતાવવા એની યોજના તેઓ ચિંતવી રહ્યા હતા, પણ કોઈ ઉકેલ સૂઝતો નહોતો.

સમ૨થે ૨સોડામાં ઓસામણનો વઘા૨ કર્યો હતો અને ભજિયાં તળવા માટે તેલનો છમકારો કર્યો હતો. આવી આબોહવાએ ભૂખ્યાડાંસ ઓતમચંદને ઓસરીમાં જાણે કે સો-સો કીડીઓના ચટકા ભરાવ્યા. તેજોવધ અનુભવી ચૂકેલા એ માણસને આવા હીણપતભર્યા વાતાવ૨ણમાં એક ઘડી પણ હાજર રહેવાનું અસહ્ય લાગ્યું. ઘવાયેલા

૧૪૨
વેળા વેળાની છાંયડી