લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આંબલી હેઠાળે તમને ભાળ્યા. નાકે આંગળી મેલી જોઈ તંયે સાર તો બરોબર નો સંભળાણો પણ તાળવે તપાટ હતો એટલે જાણ્યું કે જીવ હજી તાળવે ચોંટ્યો છે. વાડીમાં હમણાં દીપડાની રંજાડ્ય વધી છે ને રોજ રાતે ખળખળિયે પાણી પીવા આવે છે, એટલે તમને રાતવરતના રેઢા તો કેમ મેલાય ?’ એભલે સ્ફોટ કર્યો. પછી ઉમેર્યુ

‘હું તો તમને ઝોળીએ ઘાલીને ઉપાડી આવ્યો — રામને લેખે.’

‘ભલું થાજો તમારું, ભાઈ !’ ઓતમચંદને હવે નદીકાંઠાનો પ્રસંગ યાદ આવી જતાં અહીંના સલામત વાતાવરણમાં પણ એ ભય ને ધ્રુજારી અનુભવી રહ્યા. પણ હવે પોતે ભયમુક્ત છે એ સમજાતાં એણે આ અજાણ્યા માણસનો અહેસાન વ્યક્ત કર્યો:

‘તમે મને જીવતદાન દીધું, ભાઈ !’

‘મેં તો મારાથી બનતું કર્યું, એભલે ઉત્તર આપ્યો, ‘માણહ જેવા માણહને હાથે કરીને દીપડાને મોઢે થોડા હોમાવા દેવાય છે ?’

‘આ કિયું ગામ, ભાઈ ?’ ઓતમચંદે પૂછ્યું, ‘ઈશ્વરિયું તો નથી ને ?’

સાંભળીને એભલે જરા હસતાં હસતાં કહ્યું:

‘ઈશ્વરિયું તો રહી ગયું આથમણી કોર્યે. પણ તમે તો સાવ બેભાન હતા એટલે ક્યાંથી ખબર પડે ? આ તો મેંગણી છે, મેંગણી—’

‘મેંગણી ? ઓતમચંદના પેટમાં ધ્રાસકો પડ્યો.

‘હા, મેંગણી. તમારા વેવાઈનું જ ગામ,’ હી૨બાઈએ કહ્યું.

‘સારું. પણ તમે ક્યાંથી જાણ્યું કે આ વેવાઈનું ગામ છે ?’

‘આ તમારા નાના ભાઈની વહુ ઊભી !— ચંપાએ તમને ઓળખી કાઢ્યા,’ હીરબાઈએ પોતાની બાજુમાં ઊભેલી ચંપા તરફ નિર્દેશ કર્યો.

ચંપાએ વધારે ક્ષોભ અનુભવ્યો. અને ઘૂમટો વધારે ઓરો ખેંચ્યો.

ઓતમચંદે બીજો આઘાત અનુભવ્યો. ક્ષણભર તો એને થયું ક્યાં અહીં ક્યાં આવી ભરાણો ! આ તો ઈશ્વરિયાની ઊલમાંથી નીકળી ચૂલમાં પડવા જેવું થયું.

૧૬૦
વેળા વેળાની છાંયડી