‘કપૂ૨શેઠને ને અમારે તો ઘર કરતાંય સરસ નાતો,’ એભલ કહેતો હતો.
‘ચંપા તો રોજ અમારે ઘેર દૂધ લેવા આવે.’ હીરબાઈએ ઉત્સાહભેર બોલવા માંડ્યું:
‘તમને ઝોળીમાંથી ખાટલામાં સુવરાવ્યા કે તરત ચંપા તો ઓળખી ગઈ કે આ તો મારા જેઠ થાય ને આનો ખાટલો તો મારે ઘરે જ લઈ જવો પડશે.’
‘ના… ના…’ ઓતમચંદે તરત નકાર સંભળાવી દીધો. અને પછી સાવ મૂંગો થઈ ગયો.
સાંભળીને સહુએ આશ્ચર્ય અનુભવ્યું. પોતાના વેવાઈને ઘેર જવાની આ માણસ શા માટે ના પાડતો હશે ? ચંપા તો મનમાં ને મનમાં તર્ક કરી રહી. અમારે ઘેર આવવામાં એમને શું વાંધો હશે ? કાંઈ માઠું લાગ્યું હશે ?
‘ના… ના…’ એટલા અક્ષરો સાંભળી રહ્યા પછી મહેમાનને મોઢેથી વધારે ખુલાસો સાંભળવાની સહુ અપેક્ષા રાખતાં હતાં પણ ઓતમચંદ તો સાવ મૂંગો જ થઈ ગયો હતો. પોતે જે નાજુક અને નામોશીભરી સ્થિતિમાંથી અહીં આવી પહોંચ્યો હતો એની જાણ વેવાઈ પક્ષને થાય તો આખી વાત ચોળાઈને ચીકણી થાય અને પોતાની આબરૂ ધૂળધાણી થાય એમ સમજીને ઓતમચંદે પૂછ્યું:
‘કપૂરશેઠને ખબર છે ખરી કે મારો ખાટલો તમારા ઘરમાં છે ?’
‘ના, પણ ચંપા અબઘડીએ જઈને વાવડ આપશે.’ હીરબાઈએ કહ્યું, ‘તમે આંખ ઉઘાડો એની જ વાટ જોતી’તી—’
‘તો હવે વાવડ આપવા રે’વા દેજો,’ લાજ કાઢીને ઊભેલી ચંપાને ઉદ્દેશીને ઓતમચંદે કહ્યું:
‘હું જાણે કે મેંગણીમાં આવ્યો જ નથી એમ સમજજો—’
ફરી સહુને નવાઈ લાગી.