બીજું કોણ કરશે? માણસને માણસ ખપમાં આવે.’
ચંપા ચોસરીમાં બેઠી બેઠી કુતૂહલથી આ ‘ભાઈબહેન’નો સંવાદ સાંભળતી હતી.
‘તમે તો મને નવી જિંદગી દીધી, બેન ! ખળખળિયાને કાંઠે પડ્યો રહ્યો હોત તો દીપડે સાચે જ ફાડી ખાધો હોત.’
‘જિંંદગી દેનારો તો ઉપર બેઠો છે—હજાર હાથવાળો. એની પાસે આપણું શું ગજું ?’
‘તમારા આ ઉપકારનું સાટું તો મારાથી કેમ કરીને વળશે !’
‘એમાં વળી ઉપકાર શેનો, ભાઈ ! માણસ માણસને ખપમાં નહીં આવે તો કોને આવશે ?’ હીરબાઈએ ફરી સાવ સાદું સત્ય ઉચ્ચાર્યું.
‘પણ હું તમને કે’દી ખપમાં આવીશ ?’
‘તમારે ટાણે તમેય આવશો. માણસ ઊઠીને માણસનું કામ કરે, એ કોઈ દી અબાર ન જાય, સમજ્યા ને ભાઈ !’
‘પણ ક્યાં પડ્યું વાઘણિયું ને ક્યાં પડ્યું મેંગણી !’ ઓતમચંદે કહ્યું: ‘આપણા તો ફરી પાછા કે’દી ભેટા થવાના !’
‘સાચી મમતા હશે તો ઘણીય વાર ભેટો થાશે, ભાઈ ! હીરબાઈ બોલ્યાં, ‘સાચી હેત-પ્રીત હોય તો હજાર ગાઉથી માણસના મોં-મેળ થાય.’
યજમાનોના નિર્વ્યાજ લાગણીપૂરમાં ઓતમચંદ અવાક બનીને નાહી રહ્યો.
થોડી વારે હીરબાઈએ કહ્યું: ‘મારે સંધીય વાતનું સુખ છે, પણ એક વાતનું મનમાં દુઃખ રિયા કરતું’તું—’
‘શી વાતનું બેન ?’
‘મારે પિયરિયાંમાં કોઈ નથી. પિયરના નામની દશ્ય દેવાઈ ગઈ