આ પ્રસંગ ઉપર વધારે વિચાર કરતાં ચંપાને તુરત એક ત્રીજી વ્યક્તિ યાદ આવી ગઈ… હા, બરોબર, સામેથી કોઈક માણસે મામાને હાંક મારીને કીધું કે ગામતરેથી આવી ગ્યાને મનસુખભાઈ !… આપણો માણસ છે, સામાન ઉપાડીને ખડકી લગી મેલી જાશે…
હં. બરોબર ! હવે યાદ આવ્યું. મામાનો સરસામાન એણે અમથો નહોતો ઉપાડી લીધો. કોઈકે એને ચીંધ્યું’તું ખરું !… પણ કોણ હશે — એ માણસ ? કોણ હશે એને આવું મૂલી-મજૂરીનું કામ ચીંધનારો ? એનો કોઈ સગો થાતો હશે ? કે એનો વળી શેઠ હશે ? એ, પારકા માણસને આમ ન કરવાનું કામ કેમ ચીંધતો હશે ? ચીંધી શકતો હશે ?
‘હા, હવે યાદ આવ્યું, બરોબર યાદ આવ્યું ! ગાડી ઊભી રહી ત્યારે એક માણસ રમકડાંની રેંકડી ફેરવતો હતો ખરો. એ એક હાથે ઘૂઘરા વગાડતો હતો ને બીજે હાથે રેંકડી ઠેલતો હતો, ને મોઢેથી ‘લ્યો આ મહુવાનાં રંગીન રમકડાં !’ એમ રાડ પાડતો હતો.
સ્મૃતિપટ પર એક પછી એક તાણાવાણા ગોઠવાતા જતા હતા અને એમાંથી આખું અકબંધ દૃશ્ય નજર સામે આવી ઊભતું હતું.
હા, હવે યાદ આવ્યું ! મામાની પાછળ પાછળ હું ધીમે ધીમે સ્ટેશનના દરવાજા બહાર નીકળતી હતી ત્યારે એ રમકડાંવાળો મારી સામે ટગર ટગર જોઈ રહ્યો હતો ખરો !… શું કામે જોતો હશે ? મામાનો ઓળખીતો હતો એટલે ?–મામાને ઘેર આ કોણ નવાં મહેમાન આવ્યાં એ જાણવા સારુ એ આમ જોયા કરતો હશે ?… કોણ જાણે બાઈ, પણ હું તો એની બાઘડા જેવી આંખ જોઈને જ બી મરી’તી !…
પ્રસંગની સાંકળમાં ખૂટતી કડીઓ જેમ જેમ ભિડાતી જતી હતી તેમ તેમ ચંપાને આખી સમસ્યા સ્ફુટ થવાને બદલે વધારે રહસ્યમય લાગતી જતી હતી… કોણ હશે એ રમકડાં વેચનારો ? મામાનો સરસામાન ઉપાડી લેવાનું એણે શું કામે ચીંધ્યું ? ને મારી સામે