પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ‘મેંગણી યાદ આવી ગયું ?’

‘માબાપ યાદ આવી ગયાં ?’

બિચારાં ધીરજમામીને કોણ સમજાવે કે આ યુવતીને અત્યારે મેંગણી કે માબાપ નહીં પણ એક મજૂરની યાદ સતાવે છે !

સ્ત્રીસહજ નિકટતાના ભાવથી એમણે ચંપાને ગોદમાં લીધી અને પોતાના સાડલાના છેડા વતી એની આંખને ખૂણે તગતગતું આંસુ લૂછવા માંડ્યું.

‘શું કામ ઓછું આવી ગયું, બેન ? મારા સમ છે, ના બોલો તો !’

આંખમાંથી એકેક આંસુ લુછાયું કે તરત, અંદર ક્યારના રુંધાઇ રહેલાં બીજાં આંસુ મોતીની લાંબી સેરની જેમ દડદડ સરી પડ્યાં.

‘અરર ! મારી બેન, આ શું ?’ ગુલપાંખડી જેવા ગાલ ઉપર પથરાયેલાં ઝાકળબિંદુ સમાં આંસુ વહાલપૂર્વક લૂછતાં લૂછતાં મામી બોલી રહ્યાં:

‘આજે આમ રોવા બેસાય, મારી બાઈ ? આજ તો મુનસફનો દીકરો તમને જોવા આવવાનો છે… અરરર ! આંખ તો જો, રાતીચોળ થઈ ગઈ આટલી વારમાં ! તમારા મામાનો સ્વભાવ તો મૂળથી તીખો છે. મનેય વાત વાતમાં રોવરાવે છે. અબઘડીએ જ એને ઠપકો આપું છું, છાની રહી જા, બેન !’

આટલું સાંત્વન આપીને ધીરજમામી પાણીઆરેથી પાણી લાવ્યાને હીબકતી ચંપાને પરાણે બેચાર ઘૂંટડા પાયા. અશ્રુપ્રવાહ અટક્યા પછી મામીએ સૂચના આપી:

‘માથું-મોઢું કરીને તૈયાર થઈ જા, બેન ! અબઘડીએ મૂનસફનો છોકરો આવી પૂગશે.’

૨૪૨
વેળા વેળાની છાંયડી