લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામલોકોની જેમ હલકારો પણ આ વાતાવરણથી ટેવાઈ ગયો હતો. વાઘણિયાનાં કૂતરાં આખા પંથકમાં પંકાતાં, તેથી આ ગામ ટપાલ વહેંચવા આવતી વેળા સાથે બડીકો લાવવાનું એ કદી ભૂલતો નહીં. લાંબી કામગીરીને પરિણામે એ એકેએક કૂતરાથી પરિચિત થઈ ગયો હતો. તેથી જ તો, અત્યારે એ એક હાથમાં ટપાલ ને બીજા હાથમાં બડીકો વીંઝતો વીંઝતો કોઈ સુભટની અદાથી આ નવરી બજારમાં આગળ વધતો હતો. સામેથી ભસતાં ૫રિચિત સ્વજનો જેવાં કૂતરાંઓને ‘હવે બેસ બેસ, બાંડિયા !’ ‘હવે હાઉં કર્ય, રાતડા !’ ‘મૂંગો મર્ય, મૂંગો, કાણિયા !’ એમ પ્રેમાળ સંબોધનો વડે ગોષ્ઠી કરતો કરતો એ કાગળ વહેંચતો જતો હતો.

વાઘણિયાના વેપારીઓને એક વિચિત્ર આદત હતી. કોની કોની દુકાને કેટલી ટપાલ આવે છે એનું વધારે પડતા કુતૂહલથી તેઓ ધ્યાન રાખતા. અને એ માટે એમણે સરસ કીમિયો શોધી કાઢ્યો હતો. જે દુકાન પાસે હલકારો થોભે એ સ્થળે કૂતરાંના ભસવાનો ‘સ્થગિત’ અવાજ સંભળાયા કરતો અને એ ખાખી વેશધારી આગળ વધતો રહે એમ કૂતરાંના અવાજ પણ દૂર દૂર જતા રહે. કોઈક સ્થળે ટપાલી થોભે ત્યારે અવાજ સ્થગિત થઈ જાય. આ રીતે કોની દુકાનને ઉંબરે પોસ્ટમૅન થોભે છે અને કેટલો સમય થોભે છે એ પણ બીજા વેપારીઓ જાણી શકતા.

પણ આજે વાઘણિયાના વેપારીઓને જરા નવો અનુભવ થયો. ઓતમચંદની પેઢીનું ‘ઉઠમણું’ થઈ ગયા પછી એને ત્યાં આવતી ટપાલનું પ્રમાણ બહુ ઘટી ગયું હતું. એક સમયે વાઘણિયામાં આવતા કાગળપત્તરનો અડધો કોથળો ઓતમચંદને ત્યાં જ ઠલવાતો. એ પ્રમાણ હવે આ પડતીના દિવસોમાં નહીંવત્‌ થઈ ગયું હલકારો આવે ત્યારે ઓતમચંદની દુકાન પાસે કૂતરાંએ ભાગ્યે જ ભસવું પડતું. પણ આજે સાવ અવળો જ ઘાટ થયો. બીજા કોઈની

૨૪૪
વેળા વેળાની છાંયડી