‘અરે, અરે ! આમ ધોળે દીએ ઓસરીમાં જોખમ કાઢો મા. લાડકોરે સૂચના આપી. ‘પટારામાં સાચવીને મેલી દિયો—’
‘લાવો કૂંચી’ ઓતમચંદે ઘરમાં જતાં જતાં કહ્યું.
‘કૂંચીની જરૂર નથી !’ પત્નીએ કહ્યું. ‘પટારો ઉઘાડી જ રાખ્યો છે. તમને આઘેથી આવતા ભાળ્યા કે, તરત જ મેં સાચવણું ઉઘાડી નાંખ્યું’તુ…’
‘ઓહોહો ! તમે તો બહુ અગમબુદ્ધિ વાપરી ને કાંઈ !’ પત્નીના સ્ત્રીસુલભ અત્યુત્સાહને હસી કાઢતાં ઓતમચંદે કહ્યું, ‘તમારી સાચવણને તો કોઈ નહીં પૂગે.’
‘સાચવવું તો જોઈએ જ ને ! બિચારા નરોત્તમભાઈએ ક્યાંક નોકરી કરી કરીને, પરસેવો પાડી પાડીને આટલું ભેગું કર્યું હશે—’
‘નોકરી કરે છે જ કોણ ?’
‘તયે આટલું બધું ક્યાંથી કમાણા હશે ?’
‘નરોત્તમ તો ભાગીદારીમાં રહ્યો… મંચેરશા પારસીની પેઢીમાં. આ કાગળ વાંચજો નિરાંતે. એટલે ખબર પડશે.’
‘સાચે જ ? તો તો તમારા મોઢામાં સાકર—’
‘એકલી સાકરથી સંતોષ નહીં થાય. લાપસી જોઈશે, લાપસી.’
‘અબઘડીએ આંધણ ચડાવી દઉં, ને ઝપાટામાં પીરસી દઉં. પછી કાંઈ ?’
‘પટારામાં સારી પટ ઊંડે જોખમ ગોઠવતાં ગોઠવતાં ઓતમચંદે પૂછ્યું: ‘બટુક કેમ દેખાતો નથી ?’
‘એતો મન્યાડર આવ્યાના સમાચાર કહીને પાછો શેરીમાં હાલ્યો ગયો.’
‘એને બોલાવીને કહી દિયો કે તારા સારુ નવી ને મોટી ઘોડાગાડી આવે છે—એક સથવારા ભેગી.’
‘નરોત્તમભાઈ આ ઘોડાગાડીની વાત હજી ભૂલ્યા લાગતા નથી !’