‘કેમ ભૂલે ? કાગળમાં તો હજી સાચી ઘોડાગાડી લેવાનું લખે છે. કહે છે કે અબ્દુલાશેઠ માની જાય તો આપણી જ મૂળ ગાડી પાછી લઈ લેજો.’
‘સાચોસાચ ?’
‘વાંચો ને આ કાગળ !’
‘પહેલાં મને લાપસી રાંધી લેવા દિયો. પછી નિરાંતે કાગળ વાંચીશ.’
‘અરે ! હું તો અમથો લાપસી લાપસી કરતો’તો, ને તમે તો સાચે જ રાંધવાની વાત કરો છો !’
‘હવે તો રાંધીશ જ, તમારું વેણ રાખવા,’ કહીને લાડકોર રસોડા તરફ વળી.
‘તો એટલી વારમાં હું આપાભાઈ કાઠીની ડેલીએ જરાક થાતો આવું.’
‘કાઠીનું વળી શું કામ પડ્યું ?’
‘એની ઘોડી કાલનો દી માગી જાવી પડશે—’
‘કેમ ભલા ? ગામતરે જાવું છે ?’
‘હવે તો એકાંતરે દિવસે ગામતરાં જ થવાનાં,’ ઓતમચંદે કહ્યું, ‘આ મોસમમાં આખા પંથકનો કપાસ આપણે ખડી લેવાનો છે.’
‘આપણે ?’ સાંભળીને લાડકોરનો સાદ ફાટી ગયો.
‘આપણે એટલે મંચેરશાની પેઢીને હિસાબે—નરોતમ વતી,’ ઓતમચંદે પત્નીને સાંત્વન આપ્યું.
‘તમારો ભાઈ તો શહેરમાં કોક મોટે મોભારે બેઠો લાગે છે ! પંથકનો સંધોય કપાસ ખંડી લેવાની વાતું કરે છે.’
‘મારો ભાઈ નહીં, તારો દેર, એમ કહે !’ ઓતમચંદે પત્નીને મર્મમાં કહ્યું, ‘અહીંથી ગયો તંયે તેં એને ઝાઝી આશિષ આપી’તીને, એ હવે ફળી.’