પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લાડકોરે એ ભાવ બરાબર ઝીલ્યો અને ઘણે વરસે આ પ્રૌઢ દંપતીના જીવનમાં ક્ષણભર નવપ્રેમીઓના જેવું તારામૈત્રક રચાઈ ગયું.

આપાભાઈ કાઠી સાથે ઘોડીનું નક્કી કરીને મોડેથી ઓતમચંદ જમવા બેઠો. ભેગો બટુકને પણ બેસાડ્યો. હરખડી લાડકોરે હોંશે હોંશે લાપસી પીરસવા માંડી, પણ ઓતમચંદે કહ્યું:

‘લાપસી નહીં, પહેલાં રોટલો લાવો—’

‘રોટલો ? રોટલો આજ ઘડ્યો છે જ ક્યાં ?’

‘સવારનો ટાઢો-સૂકો હશે તોય ચાલશે. રોટલો પહેલાં, પછી લાપસી.’

‘રોટલા તો બારેય મહિના ખાવાના જ છે ને !’ લાડકોરે કહ્યું, ‘આજે તો લાપસી જમો !’

‘રોટલા બારેય મહિના નહીં જિંદગી આખી ખાવાના છે. એટલે જ પહેલાં રોટલો ને પછી મિષ્ટાન્ન,’ કહીને ઓતમચંદ ખુલાસો કર્યો: ‘મિષ્ટાન્ન તો આજે છે ને કાલે નથી. એટલે જ માણસ ભગવાન પાસેથી લાપસી-લાડવા નથી માગતા પણ સૂકોપાકો રોટલો જ માગે છે, સમજ્યાને ? બિરંજ કે બાસુંદી નહીં પણ શેર બાજરી જ માગે છે. ને જિંદગીમાં શેર બાજરી જડતી રિયે એના જેવું સુખ બીજું કયું ?’

પતિના આગ્રહને વશ થઈને લાડકોરે સાચે જ સવારના ઘડેલ રોટલાની ફડસ પીરસવી પડી. અને પછી જ ઓતમચંદે લાપસીમાં ઘી ચોળ્યું.

પછી જમતાં જમતાં એણે મિષ્ટાન્ન વિશે વધારે ફિલસૂફી ડહોળી:

‘સુખ આવે ત્યારે માણસે હરખાઈ ન જાવું ને દુઃખ પડે ગભરાઇ ન જાવું. મિષ્ટાન્ન-પકવાન તો સુખ કરતાં દુઃખમાં વધારે મીઠાં લાગે !’

‘દુઃખમાં વધારે મીઠાં લાગે ?

‘હા. આ તમે હોંશે હોંશે લાપસી રાંધી છે ને છે ને સારી પટ

૨૫૨
વેળા વેળાની છાંયડી