જાય. હરાયાં ઢોર પણ રોજ નવાંનોખાં આવે છે, સમજી ગગી !’ કહીને કીલાએ ઉમેર્યું: ‘સ્ટેશન માસ્તરની ને ટિકિટચેકરનીય વારે ઘડીએ બદલી થયા કરે. સ્ટેશન ઉપર કોઈ ચીજ કાયમ નથી રહેતી. ફક્ત આ કીલો, દાવલશા ફકીર ને ભગલો ગાંડો કાયમના અડિંગા લગાવીને બેઠા છીએ.’
‘પણ તમે જે માણસને મોકલ્યો તો એનું સાચું નામઠામ ક્યાંયથી જાણવા મળે ખરું ?’ ધીરજે પૃચ્છા ચાલુ રાખી.
‘એવા મૂલી-મજૂરનાં નામઠામ જાણવાની તારે શું જરૂર પડી, ગગી ?’
‘મારે જરૂર નથી પડી—’
‘તને નહીં તો કોને ? મનસુખભાઈ શેઠને ?’
‘ના, એનેય નહીં—’
‘તો પછી ?’
હવે આ નાજુક પ્રકારની પૃચ્છા આગળ લંબાવવી કે કેમ એ અંગે ધીરજ થોડી વાર વિમાસણમાં પડી ગઈ. પણ જિજ્ઞાસાનું જોર કેમેય કર્યું નાથી શકાયું નહીં તેથી એ આગળ વધી:
‘વાત જરાક પેટમાં રાખવા જેવી છે—’
‘એમાં આ કીલાને કહેવું ન પડે, ગગી !’
કીલાએ ધીરજને ‘ગગી, ગગી !’ કહીને અત્યાર સુધીમાં એટલી તો આત્મીયતા કેળવી નાખી હતી કે અત્યારે ધીરજનો ક્ષોભ ઓછો થઈ ગયો.
‘વાત એમ છે, કે એ માણસ અમારી ખડકી લગી આવીને સરસમાન મૂકી ગયો તે દિવસથી…’
ફરી ધીરજ અટકી ગઈ.
‘તે દિવસથી શું થયું છે ? બોલને ગગી, એમાં ગભરાય છે શું કામે ?’