લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તે દિવસથી અમારી ચંપાબેને એનું વેન લીધું છે…’

‘સાચે જ ? મજૂરનું વેન લીધું છે ?’

‘મજૂર તો કેમ કહેવાય ?’

‘મજૂરી કરે એ મજૂર. એમાં શું નવાઈ ?’

‘પણ અમને એ મજૂર જેવો ન લાગ્યો.’

‘મજૂર જેવો ન લાગ્યો તો વળી કેવોક લાગ્યો ?’

‘વાત છાની રાખો તો કહું.’

‘આ કીલાને એમાં કહેવું ન પડે, ગગી !’

‘એ માણસ ચંપાબેનના વર જેવો લાગ્યો.’

સાંભળીને કીલો ખડખડાટ હસી પડ્યો. બેવડ વળી વળીને હસી રહેલા કીલાને જોઈને ધીરજને નવાઈ લાગી. સારી વાર સુધી હસાહસ કર્યા પછી કીલો બોલ્યો:

‘ગાંડી રે બાઈ ગાંડી ! તેં તો ગધેડાને તાવ આવે એવી વાત કરી ! ચંપાનો વર શું કાંઈ મજૂરી કરે ?’

‘અમનેય માન્યામાં તો નથી આવતું, પણ ચંપા પાકે પાયે માને છે. ને એને લીધે જ—’

‘શું ? એને લીધે જ શું ?—’

ફરી ધીરજ અટકી ગઈ. સાદ વધારે ધીમો કરીને કહ્યું:

‘એને લીધે જ એનું મન ચગડોળે ચડ્યું છે. જાગતાં ને ઊંઘતાં એનું જ રટણ કર્યા કરે છે.’

૨૬૪
વેળા વેળાની છાંયડી