લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પરભુલાલ શેઠ, આ મહેમાનને બેસવા જેટલી જગ્યા કરો જરાક.’ નરોત્તમની બાજુમાં જોડાજોડ આ મહેમાનને બેસાડતાં બેસાડતાં કીલો બોલી રહ્યો: ‘આ કીલાની ઓરડીમાં તો મઢી સાંકડી ને બાવા ઝાઝા જેવું છે, મનસુખભાઈ !’

આગંતુકને આ રીતે ‘બાવા’માં ખપાવી નાખીને કીલાએ ઔપચારિક ઢબે કહ્યું: ‘આજ તો આ ગરીબ કીલાનું આંગણું પાવન કર્યું કાંઈ.!’

‘હું તો તમને સ્ટેશન ઉપર ગોતવા ગ્યો’તો. પણ ક્યાંય જડ્યા નહીં પછી ઓલ્યા ફકીરે કીધું કે કીલાભાઈ તો ઓરડીએ ગ્યા છે—’

‘ફકીર મારો સાચો ભાઈબંધ છે—’

‘એણે ઠેકાણે ચીંધ્યું એટલે ગોતતો ગોતતો અહીં આવી પૂગ્યો—’

‘ભલે આવ્યા, ભલે આવ્યા. અમ જેવા રાંક માણસને ઉંબરે તમારા જેવા મહાજનનાં પગલાં ક્યાંથી !’ કીલાએ મોઢેથી લાપસી પીરસવા માંડી.

‘હમણાં તો ઘણાય દિવસથી તમને જોયા નહોતા, ને આજે વૅગન નોંધાવવા સ્ટેશન ઉપર ગ્યો’તો એટલે તમારી તપાસ કરી, પણ તમે અહીં ઓરડીએ આવી પૂગ્યા’તા—’

‘શું કરું, ભાઈ ? મારે તો હાથે રોટલા ઢીબવાના, એટલે વહેલું આવવું પડે—’

‘અરે નસીબદાર છો, નસીબદાર, કીલાભાઈ !’

‘આ હથૂકાં ઢીબવાનાં, એટલે નસીબદાર ગણો છો ?’

‘હા, વળી, અમારા અનુભવ ઉપરથી કહું છું. આ અમારે ઢીબનારી છે, પણ રોટલા ભેગા અમનેય ઢીબી નાખે છે.’ પોતાનો સ્વભાવ આટલી નિખાલસતાથી રજૂ કરી દીધા પછી ખ્યાલ આવ્યો કે આ ઓરડીમાં કીલા ઉપરાંત બીજી પણ એક અજાણી વ્યક્તિની હાજરી છે. તરત એમણે આત્મકથા આગળ અટકાવીને કહ્યું: ‘આ શેઠની ઓળખાણ પડી નહીં, કીલાભાઈ !’

૨૭૨
વેળા વેળાની છાંયડી