સ્વાભાવિક રીતે જ મૈત્રી કેળવાઈ ગયેલી. બંને વચ્ચે સારો ઘરોબો થઈ ગયેલો.
પછી તો, ગાદીવારસાનો આ ખટલો છેક પ્રિવી કાઉન્સિલમાં પહોંચેલો અને બૅરિસ્ટર કામદાર એ માટે વિલાયત સુધી લડવા ગયેલા. ત્રણ-ત્રણ વરસ સુધી ચાલેલા આ ખટલાને અંતે બૅરિસ્ટર પરાજિત થઇને પાછા ફરેલા. ખટલો નિષ્ફળ ગયાના સમાચાર, અલબત્ત, ચોંકાવનારા હતા. પણ એથીય વધારે ચોંકાવનારી ઘટનાઓ તો એ પછી બનવા પામેલી, જેને પરિણામે આખું કાઠિયાવાડ ખળભળી ઊઠેલું. કોઈએ સીતાપુરના રાજવીના કાન ભંભેર્યા કે બૅરિસ્ટર કામદારે પ્રતિવાદીઓ પાસેથી જબરી લાંચ ખાધી છે, અને જાણી જોઈને મુકદ્દમો હારી ગયા છે. અને કાચા કાનના રાજવીએ પોતાના કારભારીના ઘર ઉપર જપ્તી બેસાડી. આવા મશહૂર કારભારીના ઘર પર જપ્તી બેઠી એ સમાચાર જેટલા આઘાતજનક હતા, એથીય વધારે ગમખ્વાર બનાવ તો એ બન્યો કે જપ્તીના દિવસે જ શકમંદ સંજોગોમાં કારભારી હેમતરામ કામદારનું અવસાન થયેલું.
આ અણધાર્યા અવસાન અંગે પણ ગામમાં જેટલી જીભ હતી એટલાં અનુમાનો થવા પામ્યાં હતાં. એક વાયકા એવી હતી કે પોતાની પ્રામાણિકતા ઉપર આવેલું આ આળ ખમી ન શકવાથી લોકનિંદામાંથી બચવા ખાતર કામદારે અફીણ ઘોળીને આપઘાત કરેલો. બીજું અનુમાન એવું હતું કે રાજવીએ આગલી રાતે એક ભોજન-સમારંભ યોજેલો એ વખતે કારભારીના ખોરાકમાં ગુપ્ત રીતે ઝેર ભેળવી દેવામાં આવેલું. સાચી વાત શી હતી એ તો આજ સુધી કલ્પનાનો જ વિષય રહ્યો હતો. એ ગમખ્વાર બનાવને પરિણામે હેમતરામ કામદારનું કુટુંબ છિન્નભિન્ન થઈ ગયેલું. પતિના અવસાન પછી વૈધવ્યનો અને પ્રતિષ્ઠાહાનિનો બેવડો આઘાત કામદાર પત્નીથી લાંબો સમય જીરવી શકાયો નહીં. એક વેળા જેને ત્યાં