લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 કઈ મિતિએ ખતવી છે, એ ઊંઘમાં પૂછો તોય હાજર જવાબ !’

‘એનું નામ સાચા મુનીમ !’ કપૂરશેઠે આ પ્રશસ્તિમાં પણ સૂર પુરાવ્યો અને તુરત એક કહેવત યાદ આવતાં એનો ઉપયોગ કરી નાખ્યો: ‘ગલઢાવે કીધું છે કે નામું ચોખું એનું નસીબ ચોખું.’

વાતો કરતાં કરતાં સહુ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વશરામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વશરામ આ બાળઅસવારને ઘોડા પર બેસાડતો હતો.

પુરુષવર્ગ ઓસરીમાં હીંચકે બેઠો હતો ત્યારે અંદરના ઓરડામાં લાડકોર સંતોકબાની આગતાસ્વાગતા કરી રહી હતી; મેંગણીના સરસમાચાર પૂછતી અને વચ્ચે વચ્ચે ચંપા તથા જસી તરફ ઝીણી નજરે જોયા કરતી હતી. ચતુર લાડકોર આ બંને બહેનોની સાવ ભિન્ન ભિન્ન રીતભાત, હાવભાવ અને ચહેરામહોરાનું નિરીક્ષણ કરી રહી હતી. સાથે સાથે, પોતાના કુંવારા દિયર નરોત્તમ માટે આ બેમાંથી કઈ કન્યા અનુકૂળ ગણાય એનો અભ્યાસ કરતી જતી હતી.

ઓસરીમાં પાટલા પથરાયા અને પુરુષો જમવા બેઠા. દકુભાઈ અને મુનીમ ક્યારના કશીક છૂપી ગુફતેગો કરી રહ્યા હતા તે અત્યારે જમવાટાણે પણ ઇરાદાપૂર્વક જરાક આઘેરા બેઠા, જેથી એમની ગુપ્ત મંત્રણાઓમાં અંતરાય ન આવી શકે.

મકનજી મુનીમ દકુભાઈના કાનમાં ફૂંક મારતો હતો: ‘ઠીકઠીકનો જોગ છે. ને છોકરી પણ બરોબર બાલુના બરની જ છે. મહેમાનનું મન માને તો બાલુનો ભવ સુધરી જાય એમ છે…’

અંદરના રાંધણિયામાંથી દકુભાઈનો છેલબટાઉ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂરશેઠ તો આ યુવાનના વરણાગી વેશ સામે જોઈ જ રહ્યા. ઓસરીમાં બાલુની એન્ટ્રી, ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક—બલકે

ત્રણ જુવાન હૈયાં
૨૯