એ હતા, ‘ચોટલાવાળી’ રાણીની છાપવાળા, ચોખ્ખી ચાંદીના મુંબઈગરા રૂપિયા.
ભોંય પર વેરાયલા, નિઃસ્વાર્થ સ્નેહના પ્રતીક સમા એ ધવલોજ્જ્વલ સિક્કાઓ સામે તાકી રહેલી આહીરાણીના અંતરમાંથી ઉદ્ગાર નીકળી ગયા: ‘આ ધરમનો માનેલો ભાઈ તો માના જણ્યા ભાઈથી સવાયો નીકળ્યો… બેનને આપવાનું કાપડું ભાણિયાના ગૂંજામાં મેલતો ગયો!’
આહીરાણી સ્નેહાર્દ્ર નજરે અને ઉપકૃત ભાવે ભાઈ તરફથી મળેલી સોગાદને અવલોકી રહ્યાં હતાં ત્યાં જ એમને કાને રૂપેરી ઘંટડી જેવો જ અવાજ આવ્યો: ‘હીરીકાકી!’
‘કોણ?’ કહીને હીરબાઈએ ઊંચે જોયું ને બોલી ઊઠ્યા: ‘ચંપા! આવ્ય, આવ્ય, ગગી! આજ તો અટાણના પહોરમાં નવરી થઈ ગઈ?’
‘નવરી તો નથી થઈ. પણ સંધાંય કામ કરવાં પડતાં મેલીને ખબર કાઢવા આવી છું—’
‘કોની?’
‘તમારા ભાઈની—’ ચંપાએ હસતાં હસતાં કહ્યું: ‘ઓતમચંદ શેઠની— મારા જેઠની ખબર કાઢવા આવી છું.’
‘પણ તને ક્યાંથી વાવડ જડ્યા?’
‘દરબારની ડેલીએથી—’
‘દરબારની ડેલીએથી? કેવી રીતે? કોણે કીધું?’
‘નરભા ગોરે… ગોર મહારાજે બાપુજીને કીધું, ને બાપુજીએ બાને વાત કરી એ હું સાંભળી ગઈ. એટલે ચૂલો જસીને સોપીને હું ઝટ ઝટ નીકળી આવી—’
‘પણ એક જ પગલાનો જ ફેર પડ્યો… હમણાં જ ઘોડીએ ચડીને હાલી નીકળ્યા—’ હીરબાઈએ કહ્યું.