પડ્યો. ‘જૂનાં સગાં’નું સૂચન મળતાં એને આગંતુકનો અણસાર તો પરિચિત લાગ્યો, પણ એ ઓળખી કાઢવાનું હજી મુશ્કેલ બની રહ્યું.
નરોત્તમ વિસ્ફારિત આંખે આ ‘જૂનાં સગાંવહાલાં’નું આક્રમણ અવલોકી રહ્યો હતો, ત્યાં જ આગંતુકે ત્રીજો પ્રશ્ન પણ પૂછી નાખ્યો: ‘હવે તો મુંબઈ ખેડનારા મોટા વેપારી થઈ ગયા, એટલે મેંગણીવાળાં ગરીબ સગાંસાંઈ શેનાં સાંભરે?’
‘કોણ? શારદા’ નરોત્તમ એકાએક બોલી ઊઠ્યો. ક્યારનો ઓળખ પાડવા મથી રહ્યો હતો, મનમાં નામ પણ ગોઠવી રહ્યો હતો.એમાં ‘મેંગણીવાળાં સગાં’નો ઉલ્લેખ એને મદદરૂપ બની ગયો. હવે યાદ આવ્યું કે લાડકોરભાભીનાં દૂરનાં માસી મેંગણી ગામમાં રહે છે, એની આ દીક૨ી છે, અને એનું નામ છે, શારદા.
‘તમને, શેઠિયા માણસને સગાંવહાલાંનાં નામ સબળ યાદ રહે છે?’ ટોણાના જ ટીપસૂરમાં શરૂ થયેલી શારદાની ઉક્તિઓ આગળ વધી.
‘તું તો ભારે મિજાજી નીકળી કાંઈ!’ નરોત્તમે કહ્યું, ‘ઝાઝે વરસે જોઈ, ને નામ ભુલાઈ ગયું હતું એમાં ઓળખતાં જરાક વાર લાગી ત્યાં તો મહેણાં ઉપ૨ મહેણાં મારવા મંડી!’
‘તમે મને એકલીને જ નથી ભૂલી ગયા… બીજાંય ઘણાને ભૂલી ગયા છો—’
‘કોને?’ નરોત્તમે પૂછ્યું, ‘કોણ ભુલાઈ ગયું છે?’
‘કોણ ભુલાઈ ગયું છે, એય પાછું ભુલાઈ ગયું લાગે છે!’ શારદાએ કહ્યું, ‘શેઠિયા માણસ કોને કહેવાય!’
નરોત્તમને સમજાતાં વાર ન લાગી શારદા શું કહેવા માગે છે. સાથોસાથ, આ યુવતીના અણધાર્યા આગમનનું કારણ પણ સમજાઈ ગયું.
જીવનવહેણના નવા પલટા અંગે નરોત્તમ વિચાર કરતો રહ્યો એટલી વાર આ બોલકણી છોકરી થોડી મૂંગી રહી શકે એમ હતી?