લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દીવાનખાનાનાં રાચરચીલા પર શોધક નજ૨ ફેરવતા નરોત્તમની આંખ એકાએક ચમકી ઊઠી. સામેની ટચૂકડી ટિપૉય ઉપર ૫ડેલી હાથીદાંતની એક સારસ-સારસીની જોડલી ઉપર એની નજર ઠરી હતી. મંચેરશા મુંબઈ ગયેલા ત્યારે હાથકારીગરીનું આ કોતરકામ ખરીદતા આવેલા. આ જરથોસ્તી જીવ પોતે તો એકાકી હતા, પણ એમનું જિગર એક કવિનું હતું, એટલે આ પક્ષીયુગલનું પ્રતીક એમને જચી ગયેલું. એમાંનું આલેખન કેવું અર્થસભર અને સંજ્ઞાત્મક હતું! દ્વૈતમાંથી અદ્વૈત સાધતું સારસયુગલ એકબીજાની ડોકમાં ડોક પરોવીને ઊભું હતું. પુરુષ અને પ્રકૃતિનું સનાતન સત્ય એમાં મૂર્તિમંત થતું હતું. સારસ-સારસીની સુડોળ પ્રલંબ ગરદનો જાણે કે એકબીજી સાથે વણાઈ જઈને એક બની જતી હતી. બે જુદાં જુદાં શરીરો જાણે કે એક જ નાકે શ્વાસ લેતાં હતાં. માનવપ્રણયની પરિભાષા નહીં જાણનાર આ પક્ષીઓના પ્રસન્ન પરિતૃપ્ત મુખભાવ પોકારી પોકારીને કહેતા: ‘અમે બે નથી, એક જ છીએ, અમારાં જીવન તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે. અમને મૃત્યુ સિવાય બીજું કોઈ બળ વિચ્છિન્ન નહીં કરી શકે.’

નરોત્તમને યાદ આવ્યું કે સારસ-જોડલી જીવનપર્યંત સજોડે સંયુક્ત જ રહે. એક સાથીના વિયોગ પછી બીજું ઝૂરી ઝૂરીને આપમેળે જ મૃત્યુ પામે છે. અતૂટ સખ્યનું આ પ્રતીક નરોત્તમની આંખમાં વસી ગયું અને એ એણે શારદાના હાથમાં મૂકતાં કહ્યું:

‘લ્યો, આ તમારી સહીપણીને આપજો.’

શારદા પણ ઘડીભર તો આ પ્રતીક તરફ પ્રસન્ન ભાવે જોઈ રહી. એમાં સમાયેલો ગૂઢાર્થ અને સાથેનો સાંકેતિક સંદેશ સમજતાં આ સ્રીહૃદયને શાની વાર લાગે?

‘કાલે જાતાવેંત, છાનીમાની ચંપાને આપી આવીશ,’ શારદાએ ઉત્સાહભેર કહ્યું, ‘બીજું કાંઈ મોઢામોઢ કહેવડાવવાનું નથી?’

સંદેશો અને સંકેત
૩૩૩