લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘટાવ્યો: ‘હાથ ઝાલીને બહાર કાઢવી જોઈએ—’ વાહ! સૂચન તો સરસ છે, પણ વ્યવહારુ છે ખરું? એ જ તો મોટી મુશ્કેલી! અને તેથી જ તો એમણે નિખાલસતાથી પૂછી નાખ્યું:

‘પણ મારી મોંઘીનો હાથ ઝાલે કોણ?’

આ પ્રશ્ન તો આખા સંવાદના સંદર્ભમાં બહ સાહજિકપણે પુછાઈ ગયો હતો. પણ કીલાના સરવા કાનમાં… અને એથીય અદકાં સંવેદનશીલ હૃદયમાં… એણે એક વિશિષ્ટ ધ્વનિ પ્રગટાવ્યો.

‘ઓલ્યા રાખહે જેને અભડાવી એ મારી નમાઈ ને નિમાણી દીકરીનો હાથ હવે ઝાલે કોણ?’ ડોસાએ દર્દનાક સ્વરે પૂછ્યું. એની નિસ્તેજ આંખના ઊંડા ઊતરી ગયેલા ડોળા કીલા સામે એ જબરો પ્રશ્નાર્થ ધરી રહ્યા.

માસૂમ મોંઘીની અને એના જનક જૂઠાકાકાની અસહાય દશાની કલ્પના કીલાના હૃદયને વલોવી રહી.

કીલા માટે આ ક્ષણ જીવનની આકરામાં આકરી કસોટીની ક્ષણ હતી. ડોસાના આ એક જ પ્રશ્નમાં આ સાધુચિરત માણસનાં શીલ અને શરિયતની પરીક્ષા થવાની હતી.

તેથી જ, કીલાનું મન ચગડોળે ચડી ગયું. ક્ષણ-બે ક્ષણમાં એનું ચિત્તતંત્ર આખા અતીત જીવનની પરકમ્મા કરી આવ્યું. સારી વાર સુધી એ શાંત બેઠો રહ્યો, પણ એના અંતરમાં ઘમસાણ મચી ગયું હતું.

આખરે, વિચારતંદ્રામાંથી ઝબકીને એણે જોયું તો જૂઠાકાકાની પ્રશ્નાર્થસૂચક આંખો હજી પણ કીલાની જ દિશામાં મંડાયેલી હતી. એ મૂંગી નજર પણ બાપોકાર પછી રહી હતી: જવાબ આપો, જવાબ આપો, મારી મોંઘીનો હાથ હવે ઝાલે કોણ?

આ પ્રશ્નનો ઉત્તર તાબડતોબ આપી શકાય એવો સહજ સહેલો નહોતો. કીલાને હજીયે મૂંગો બેઠેલો જોઈને ડોસાએ કહ્યું:

૩૫૨
વેળા વેળાની છાંયડી