ડોસા સાથે કીલાને શી વાત થયેલી એ નરોત્તમ જાણતો નહોતો. એ જાણવાની જિજ્ઞાસા પણ એને નહોતી. એને તો, પોતે જે કામ માટે આવ્યો હતો… મંચેરશા વતી જે પ્રશ્નનો જવાબ માગવા આવ્યો હતો… એ જ જાણવાની ઉતાવળ હતી તેથી એણે તો નાના બાળક જેટલી સરળતાથી પૂછ્યું: ‘બોલો, મંચેરશાને શું જવાબ આપું?’
‘અટાણે તો કાંઈ જવાબ નહીં આપી શકું,’ કીલાએ કહ્યું: ‘પણ મને ચાર દીની મુદત આપો. ચોથે દી હું પોતે આવીને જવાબ આપી જઈશ—!
કીલાભાઈ પાસેથી આટલો બધો ત્વરિત અને અનુકૂલ ઉત્તર મળી જશે એવી નરોત્તમે અપેક્ષા નહોતી રાખી તેથી આ ઉત્તર સાંભળીને એને આનંદ થયો. અને તેથી જ એણે ઉત્સાહભેર કહ્યું ‘જુવો, આવતી પૂનમે તો મારે રૂની ગાંસડીઓ આગબોટમાં ચડાવવા મુંબઈ જાવું પડશે. એ પહેલાં તમારો જવાબ આવી જશે ને?’
‘જરૂર—’
‘તમારો જવાબ જાણ્યા વિના હું મુંબઈ નહીં જાઉં—’ નરોત્તમે લાડ કરતાં કહ્યું.
‘ઓહોહો! તું તો ભારે ચાગલો કાંઈ!’
‘તમારો જ નાનો ભાઈ છું ને!’ કહીને નરોત્તમ હસતો હસતો બહાર ગયો.
નરોત્તમ ગયો કે તુરત કીલાનું વિચારસંક્રમણ શરૂ થઈ ગયું.
એ પછીના ત્રણ દિવસ ને ત્રણ રાત એણે ભયંકર મનોમંથનમાં વિતાવ્યાં. એ માનસિક વલોપાત એની મુખરેખાઓ ઉ૫૨ ૫ણ અંકિત થઈ ગયેલો એ જોઈને ખુદ વૉટ્સન સાહેબને પણ આશ્ચર્ય થયું.