પતિની શિખામણ સાંભળીને લાડકોર મૂંગી થઈ ગઈ. પણ એના મનમાં એક સૂચન તો ઘોળાતું જ રહ્યું. આખરે, બીતાં બીતાં પણ એણે અંતરની વાતને વાચા આપી: ‘આપણી જૂની મેડી શેખાણી શેઠ પાસેથી પાછી લઈ લઈએ તો કેમ?’
ઓતમચંદે આવા જ સૂચનની અપેક્ષા રાખી હતી. એ જાણતો હતો, કે અનેક આશાઓ સાથે બાંધેલી નવીનકોર વાસ્તુ-પૂજેલ મેડી મેમણ શેઠિયાને વેચી નાખવી પડેલી એ ઘટનાએ લાડકોરના હૃદય ઉપર કારી ઘા કરેલો. આ પહેલાં ઘણી વાર પત્નીએ એ બાબતનો રંજ વ્યક્ત કરેલો અને આજે હવે નાનેરા ભાઈના પુરુષાર્થ વડે નસીબ આડેનું પાંદડું ઊડી ગયું હોવાથી એ જૂનું રહેણાક ફ૨ી પાછું મેળવી લેવાના લાડકોરને ઓરતા થાય એમાં કશી નવાઈ નહોતી.
‘સાંભળ્યું છે, કે શેખાણી શેઠને આપણું ઘર ઓછે-અધકે પાછું કાઢી નાખવું છે, સાચી વાત?’ લાડકોરે ફરીથી એ જ વાત છેડી.
‘હા, શેઠ પોતે બેત્રણ વાર મને કાનમાં ફૂંક મારી ગયા છે, કે કોઈ ઘરાક હોય તો કહેજો—’
‘તો પછી પારકું ઘરાક ચીંધવા કરતાં આપણે પોતે જ શું કામે ઘરાક ન થાવું?’ લાડકોર કહેતી હતી, ‘એ મેડીમાં રહેવા ગયા વિના મારા જીવને શાંતિ નહીં વળે.’
‘એ તો હું જાણું છું,’ ઓતમચંદે કહ્યું, ‘પણ એક વાર એ ઇમારત આપણા નસીબમાંથી ખડી, એમાં ફરી પાછું ક્યાં રહેવા જવું?’
‘એ તો આપણા દિવસ એવા નબળા આવી ગયા એટલે મેડી કાઢી નાખવી પડી. પણ હવે હાથ પહોંચતો થયો છે, ને મકાન પાછું જડે એમ છે, તો શું કામે લઈ ન લેવું?’
‘ભલે, હું દાણો દાબી જોઈશ—’
‘ને ભેગાભેગી આપણી ઘોડાગાડીનુંય થાતું હોય તો સાટું કરી લેજો—’ લાડકોરે બીજું સૂચન કર્યું.