કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે,
ને નીર તો સાય૨માં સમાય...
ઉગમણું આભ રાતુંચોળ થઈ ગયું અને ઉજાસ વધી ગયો. એટલે બટુકે પોતાના પ્રિયજન સમા મોરલાની અને દેવચકલીની ખોજ આદરી.
મારગમાં મળતા પરિચિત ગાડાખેડુઓ અને ભરવાડણો ઘોડાગાડીથી ભડકી મારગની કોરે સરી જતાં હતાં ને વશરામને પૂછતાં હતાં: ‘કેણી કોર?’
‘ગામતરે—’
‘કિયે ગામ?’
‘ઈશ્વરિયે, લગનમાં—’
‘કોનાં ?’
‘દકુભાઈના દીકરાનાં—’
એકેક પ્રશ્નોત્તર સાંભળીને લગનઘેલી લાડકોર હરખાતી હતી.
‘વાઘણિયાના પરિચિત વટેમાર્ગુઓ આ ગાડીને ને એમાંનાં પ્રવાસીઓને ઓળખી કાઢતાં મનશું વિચારતાં હતાં: આનું નામ જિંદગીની ઘટમાળ. આ ગાડી એક વા૨ ઓતમચંદ શેઠને કાઢી નાખવી પડી’તી. આજે પાછી એ જ ગાડી ને એ જ મેડીનો ભોગવટો કરે છે. માણસના હાથમાં હોય એ હાલ્યું જાય, પણ કરમમાં હોય એ ક્યાંય ન જાય.’
બટુકને ઘણા દિવસ પછી પરિચિત ગાડીમાં લાંબી સફર કરવાનું મળ્યું હોવાથી મસ્ત હતો, ‘હેય, કાબર! કાબર! હેય, હરણ! હરણ!’ એમ કરીને એ આનંદાવેશમાં ઊભો થઈ જતો હતો, પણ આજે એના શિશુસુલભ આનંદોદ્ગારોમાં સૂર પુરાવીને ઉત્તેજન આપનાર નરોત્તમ હાજ૨ ન હોવાથી બટુકનો અરધો આનંદ ઓસરી જતો હતો. એની બાલસ્મૃતિમાં પણ ભૂતકાળનો એક સુખદ પ્રસંગ તાજો