પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૪૦

આગલા ભવનો વેરી
 


‘અરે ભાભી, તમારી આંખ ભીની કાં?’ લાડકોરે સમરથને પૂછ્યું, ‘રુવો છો શું કામ?’

પણ સમરથને મોઢેથી શો ઉત્તર મળવાને બદલે આંખમાંથી વધારે આંસુ જ ખર્યાં ત્યારે લાડકોરને લાગ્યું કે આમાં કશુંક આડું વેતરાયું છે. માથું ઓળવાનું માંડી વાળી, હાથમાં તલનું કચોળું લઈને એ ઊભી થઈ ગઈ અને સમરથને પણ માંચી પરથી ઊભી કરતાં પૂછ્યું:

‘મારાથી કાંઈ અવળું વેણ બોલાઈ ગયું?... તમને માઠું લાગી ગયું?’

પણ કશો ખુલાસો કરવાને બદલે સમરથ ભોંઠામણ અનુભવતી નીચું જોઈ ગઈ.

કેડ સમાણા ઊંડા ખાણિયામાંથી રૂપિયાની કોથળી ખેંચી કાઢનારો કંદોઈ ક્યારનો હાથમાં તપેલું ઝાલીને ખોડચાંની જેમ ઊભો રહેલો અને આટલાં કલદાર કાઢી આપવા બદલ શાબાશીના શિરપાવની રાહ જોઈ રહ્યો હતો, એ હવે આ દૃશ્ય જોઈને અકળાઈ ઊઠ્યો તેથી પૂછ્યું:

‘આ કોથળી ક્યાં મેલું?’

‘ચૂલામાં,’ સમરથે કહ્યું.

લાડકોરના મનમાં જે શંકા ઉદ્‌ભવેલી એ આ સાંભળી વધારે ઘેરી બની. એણે હાથનો સંકેત કરીને કંદોઈને અહીંથી ચાલ્યા જવાનું સૂચવ્યું. પછી એકલી પડતાં એણે સમરથને પૂછ્યું:

‘ભાભી, આ શું થઈ પડ્યું આટલી વારમાં?’

‘કાંઈ કહેવાની વાત નથી—’ કહીને ફરી વાર શરમિંદી સમરથ આંખો ઢાળી ગઈ.

આગલા ભવનો વેરી
૪૦૫