‘પણ ઘડીક વારમાં જ? હજી હમણાં તો કેવા મજાના ટહુક કરતાં હતાં!’ લાડકોરે પોતાના જ સાડલા વડે સમરથની આંખમાંથી આંસુ લૂછતાં લૂછતાં કહ્યું, ‘કાલે તો બાલુની જાન જૂતશે ને આજે આમ આંખ ભીની કરાય?’
‘મારી આંખ સામેથી ઓલી કાળમુખી કોથળી આઘી કરો!’ સમ૨થે પહેલી જ વા૨ શબ્દોચ્ચા૨ કર્યો.
‘શું કામ આઘી કરીએ ભલા? મૂળાનાં પતીકાં જેવા રૂપિયા કાંઈ મફત આવ્યા છે?’ લાડકોરે કહ્યું, ‘ને જોખમ સાચવવું હોય તો ગમે એવે ઠેકાણે મૂકવું પડે. ખાણિયામાં શું, ભમરિયા કૂવામાંય સંતાડવું પડે... બીકાળા ગામમાં રહેવું કાંઈ રમત વાત છે?’
‘સંતાડ્યું નહોતું—’
‘ભલે ને સંતાડ્યું! એમાં શરમ શેની વળી?’
‘કહું છું, કે કોથળી સંતાડી નહોતી...’
‘સમજી, સમજી! મારા દકુભાઈએ ખાણિયામાં જોખમ મેલ્યું હશે. ભાયડા માણસની મેલમૂકની આપણને શું ખબર પડે?’
‘કહું છું કે ખાણિયામાં કોઈએ કોથળી મેલી નહોતી —’
‘ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ગમે એણે મેલી હોય. તમને તો ખરે અવસરે દહીંના ફોદા જેવા રૂપિયા જડ્યા, એ જ મોટા શકન!’
‘શકન નહીં,’ સમરથ અચકાતે અવાજે બોલી, ‘અપશકન કહો, બહેન!’
સાંભળીને લાડકોર વધારે ગૂંચવણમાં પડી. ખાણિયામાંથી રૂપિયા નીકળ્યા, એને સમરથ અપશુકન શા માટે કહે છે? શું આ ચોરી-ચપાટીનો માલ હશે? કોઈની થાપણ ઓળવી હશે?’
ભોળી લાડકોરે પૂછી જ નાખ્યું: ‘ખાણિયામાં આ જોખમ છાનુંછપનું મેલ્યું’તું?’
‘છાનું તો ફક્ત અમારાથી જ હતું—’