પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘હેં? કોણે કીધું?’

‘બટુકના બાપાએ,’ લાડકોર બોલી.

સાંભળીને હવે સમરથ ગૂંચવણમાં પડી. ગભરાતાં ગભરાતાં બોલી: ‘આવી ઠેકડી કરો મા. અમે તમારા ઉપર ગુજારી છે, એવી તો બાપના વેરી ઉપ૨ પણ ન ગુજરે!’

‘તમે તો અમારા માઠા દિવસમાં માથે હાથ રાખ્યો’તો’ લાડકોરે ભોળે ભાવે પ્રશસ્તિ શરૂ કરી, મારો દકુભાઈ કાંઈ ઓછો હોંશીલો છે! બટુકના બાપુ વાઘણિયેથી એક દી રહેવાનું કહીને ઈશ્વરિયે આવ્યા’તા. એને તમે આઠ-આઠ દી લગી ખસવા જ ન દીધા! ને રોજ રોજ ફરતાં ફરતાં મિષ્ટાન્ન જમાડ્યાં, એની વાત તો હું હજી નથી ભૂલી. આજે લાડવા તો કાલે લાપશી! ત્રીજે દી દૂધપાક તો ચોથે દી ચૂરમું! મારા દકુભાઈનાં હેતપ્રીત પાસે બીજાં સહુનાં હેતપ્રીત હેઠાં!’

હવે તો સમરથ શિયાંવિયાં થવા લાગી. નણંદની એકેક ઉક્તિ એને દઝાડતી હતી. કરગરીને કહેવા લાગીઃ

‘અમારી ગરીબ માણસની બહુ ઠેકડી કરી તમે તો, હવે હાંઉ કરો, બેન! અમારાથી ભૂલ થતાં થઈ ગઈ પણ ભલાં થઈને સંધુંય ભૂલી જાવ!’

‘એમાં તમારો શું વાંક? તમે તો તમારા ભાણિયા સામું ભાળીને એના બાપુને સા૨ીપટ રૂપિયા ભેગા બંધાવ્યા'તા... પણ અમારાં નસીબ ફૂટેલાં, ને મારગમાં આડોડિયાએ આંતરીને સંધુંય લૂંટી લીધું એમાં તમારો શું વાંક?’

સમરથે ચોંકી ઊઠીને પૂછ્યું: ‘શું લૂંટી લીધું?’

'મારા દકુભાઈએ ભાણિયા સારુ મોકલ્યું’તું એ સંધુંય જોખમ લૂંટી લીધું મૂવા આડોડિયાએ... પીટડિયાવને શૂળ નીકળે! એને રૂંવે રૂંવે રગતપીત થાય, મરી ગયાં વને!’ ઓતમચંદે કથેલા લૂંટારાઓને

આગલા ભવનો વેરી
૪૧૧