‘પણ આટલાં બધાં ઘરેણાં તે હોય, મારા ભાઈ?’ હી૨બાઈ હજી લાગણીવશ હતાં.
‘આ તો ફૂલ નહીં, તો ફૂલની પાંખડી જેવું છે, બેન!’ ઓતમચંદે ખુલાસો કર્યો. ‘બાકી, આ કાંઈ તમારા ગણનું સાટું વાળવા સારુ નથી કર્યું. જેણે નવી જિંદગાની આપી, એના ગણનું સાટું તો એક ઉપરવાળા સિવાય બીજું કોણ વાળી શકે? અમે તો જનમભ૨ ને ભવોભવ તમારાં ઓશિયાળાં થઈને અવતરીએ – તમારે આંગણે આ બાંધ્યાં છે એવાં મૂંગાં ઢોર થઈને અવતરીએ – તોય અમારાં જીવતર ધન્ય ધન્ય થઈ જાય, બેન!’
નીતર્યાં નીર જેવા સાચા દિલની આ વિનયવાણી સાંભળીને હી૨બાઈને પોતાનો મૃત ભાઈ સાંભરી આવ્યો, અને એક આંખમાંથી શોકનું એક આંસુ ખર્યું, પણ તુરત ખ્યાલ આવ્યો કે આ ધરમનો માનેલો ભાઈ તો સગા મા-જણ્યાથી સવાયો છે, ત્યારે એનું હૃદય આનંદથી પુલકિત થઈ ઊઠ્યું અને હર્ષના આંસુ ખર્યાં.
હર્ષ અને શોકનાં, માનવજીવનના તાણાવાણા જેવાં એ અશ્રુપ્રવાહની ગંગાજમના ઓતમચંદ અને લાડકોર એકીટસે જોઈ રહ્યાં. અનુભવી રહ્યાં.