‘તમારા પટારામાં મોહનમાળા પડી પડી વિયાશે ?’
‘પટારામાં મોહનમાળા વિયાશે કે નહીં વિયાશે એની પંચાત તારે શું કામ ક૨વી પડે ભલા ?’ લાડકોરે જરા ઉગ્ર અવાજે પૂછ્યું. અને ફરી આ અકલમઠી ભોજાઈને શિખામણ આપવા બેઠી: ‘તારી આ ટેવ જ ખોટી છે. આપણું હોય એટલેથી સંતોષ માનવો જોઈએ, કોઈની મેડી જોઈને પોતાનું ઝૂંપડું પાડી ન નખાય, સમજી ?’
‘પણ આટલાં બહોળાં મહીમહેમાનમાં અડવે અંગે ફરું તો એમાં મારી આબરૂ—’
‘આબરૂ તો મારા દકુભાઈની જેવી છે એવી છે જ, ને સહુ એ જાણે પણ છે. માગ્યો દાગીનો પહેરીશ તો આબરૂ વધી નહીં જાય ને નહીં પહેરે તો ઘટી નહીં જાય. સમજી ?’
પણ આ વખતે તો સમ૨થે કશું સમજવાને બદલે સામેથી છણકો જ કર્યો:
‘તમને તમારી શેઠાઈનો એંકાર આવી ગયો છે એટલે આમ ફાટ્યું ફાટ્યું બોલો છો.’
‘અમારું અમે જાણીએ. પણ તું તો વગર શેઠાઈએ આટલો એંકાર શેનો કરે છે એની ખબર પડે કાંઈ ?’ આખરે લાડકોરે પણ સમરથને સીધી વાત સંભળાવી દીધી. ‘ધણીનાં લૂગડાંમાં સાંજ પડ્યે શેર ધૂળ ભરાય ને બાઈને મોટી શેઠાણી થવાના શોખ !’
સમરથ આ નગ્ન સત્ય જીરવી શકી નહીં. નણંદના આ ચાબખાએ એને પોતાની કંગાલિયતનું ભાન કરાવી દીધું હતું. આંખમાં સાચાં કે ખોટાં આંસુ લાવીને એણે કહ્યું:
‘અમે તમારાં ઓશિયાળાં થઈને રહીએ છીએ એટલે જ આવી સંભળામણી કરો છો ને !’
‘કોણ તમને કહે છે કે અમારાં ઓશિયાળાં થઈને રહો ?… ત્રેવડ હોય તો થાઓ ને નોખાં, ને કરો ને નોખો વેપા૨ !’ લાડકોરે